ભર ઉનાળે રાજકોટમાં પાણીકાપ : આવતીકાલે આ 5 વોર્ડમાં નહીં મળે પાણી
ઉનાળો એકદમ આકરો બની ગયો છે અને દરરોજ તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે ત્યારે આ સીઝનમાં પાણીની જરૂરિયાત સૌથી વધુ રહેતી હોવા છતાં મહાપાલિકા દ્વારા આવતીકાલે પાંચ વોર્ડની 171 સોસાયટી અને વિસ્તારમાં પાણીકાપનો કોરડો ઝીંકતાં ગૃહિણીઓમાં દેકારો બોલી જવા પામ્યો હતો.
પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વેસ્ટ ઝોન હસ્તકના મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન ઉપર સમ્પ સફાઈની કામગીરી હાથ ધરવાની હોવાને કારણે વોર્ડ નં.8 (પાર્ટ), 10 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં કાલે પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં.8માં રામધામ, ન્યુ કોલેજવાડી, નવજ્યોત પાર્ક, જગન્નાથ પ્લોટ, સાંઈનગર, બ્રહ્મકુંજ સોસાયટી, ગુલાબવિહાર સોસાયટી, ચંદ્રપાર્ક સોસાયટી, ગુરુદેવ પાર્ક, વોર્ડ નં.10માં જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસાયટી, મારૂતિ સોસાયટી, અલય પાર્ક-1, સત્યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદૃષ્ટિ સોસાયટીમાં પાણી વિતરણ થશે નહીં. જ્યારે વોર્ડ નં.11માં સૌથી વધુ સોસાયટી અને વિસ્તારે પાણી વગરનું રહેવું પડશે. આ વોર્ડની મહત્તમ સોસાયટી પાણીકાપમાં સામેલ થઈ જતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ જ રીતે વોર્ડ નં.12ની પણ 30થી વધુ સોસાયટીમાં પાણીકાપ અમલી રહેશે.
જો કે મહાપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત ત્રણ દિવસ અગાઉ જ કરી દેવામાં આવતાં લોકોએ પાણીની આગોતરી વ્યવસ્થા કરવાનું પણ શરૂ કરી દીધું હતું.