મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય : જાણો શું છે બીજી મહત્વની જોગવાઈ
વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી : નવો કાયદો દેશમાં લાગુ : મહિલાઓને અધિકાર ; વકફ બોર્ડમાં બે બિન-મુસ્લિમનો પણ સમાવેશ થશે
વકફ (સુધારા) બિલ, 2025ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે. આ સાથે આ બિલ હવે કાયદો બની ગયો છે. સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું. આમ હવે તે દેશમાં લાગુ થઈ ગયું છે . હવે ગમે તે સંપત્તિ પર વકફ તરીકેનો દાવો નહીં થઈ શકે. વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ, બે મહિલાઓ, પછાત મુસ્લિમ, પસમાંદા મુસ્લિમની નિયુક્તિ થઈ શકશે. મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય.
આ સાથે, રાષ્ટ્રપતિએ મુસ્લિમ વકફ (નાબૂદી) બિલ, 2025 ને પણ પોતાની મંજૂરી આપી દીધી છે. નવા કાયદાથી મહિલાઓને પણ વકફની સંપત્તિમાં અધિકાર મળશે.
સરકારે એક જાહેરનામું બહાર પાડીને માહિતી આપી છે કે સંસદની મંજૂરી બાદ, વકફ (સુધારા) અધિનિયમ, 2025 ને રાષ્ટ્રપતિ દ્વારા 5 એપ્રિલ, 2025 ના રોજ મંજૂરી આપવામાં આવી છે. હવે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને તેને સામાન્ય લોકોની માહિતી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સરકારે કહ્યું છે કે નવા કાયદાનો હેતુ વકફ મિલકતોમાં પારદર્શિતા લાવવા, અનિયમિતતા અટકાવવા અને ગેરકાયદેસર અતિક્રમણને રોકવાનો છે.
કેન્દ્રની એનડીએ સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો કોઈપણ ધર્મ કે સમુદાયની વિરુદ્ધ નથી.
મહત્વની જોગવાઇઓ
- કાયદો બન્યા પહેલાની મસ્જિદો, ધાર્મિક સ્મારકોની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય
- વકફ સંપત્તિનો દાવો થાય તો તેની ખરાઈ થશે.
- સરકારી જમીન પર વકફ દાવો નહીં ચાલે
- વકફ સંસ્થાની વાર્ષિક આવક રૂપિયા ૧ લાખથી વધુ હોય તો દર વર્ષે ઓડિટ કરાવવું પડશે
- આદિવાસી વિસ્તારોમાં જમીનને વકફ સંપત્તિ જાહેર કરી શકાશે નહિ.
- કોઈ સંપત્તિને લઈને વિવાદ થાય તો હવે અદાલતમાં જઈ શકાશે.
- મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય
- ૫ વર્ષથી ઇસ્લામનું પાલન કરતો હોય તે જ દાન કરી શકશે