Waqf Bill pass : વકફ બિલ રાજયસભામાં પણ પાસ : રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયા બાદ બનશે કાયદો
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સૌથી મહત્વની સફળતા બુધવારે મળી હતી. લોકસભામાં બહુચર્ચિત વકફ સુધારા બિલ 13 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતીથી પસાર થઈ ગયો હતો. તેની તરફેણમાં 288 અને વિરુધ્ધમાં 232 મત પડયા હતા. ત્યારબાદ ગુરુવારે આ બિલ રાજ્યસભામાં મંત્રી કિરણ રિજીજુએ રજૂ કર્યું હતું.
એમણે જ રાજ્યસભામાં ચર્ચાની શરૂઆત કરાવી હતી અને કલાકોની ચર્ચા બાદ બિલ બહુમતીથી પાસ થયું હતું. આમ હવે આ બિલ કાયદો બની જશે. આજે સંસદના બજેટ સત્રનો આખરી દિવસ છે અને તે પહેલા જ સરકારને મોટી સફળતા મળી ગઈ છે. મંત્રી રિજીજુએ કહ્યું હતું કે દુનિયાભરમાં સૌથી વધુ વકફ સંપત્તિ ભારતમાં છે પણ મુસ્લિમોને તેનો ફાયદો થયો નથી. રાજ્યસભામાં પણ ચર્ચા દરમિયાન ગરમાગરમી રહી હતી. વિપક્ષના નેતાઓએ સરકાર પર જાતજાતના આરોપ લગાવ્યા હતા. સરકાર તરફથી નડા અને રિજીજુ સહિતના નેતાઓએ એમને વળતાં જવાબ આપ્યા હતા. મોટા ભાગના વિપક્ષના સભ્યોએ આ ખરડાને ગેરબંધારણીય ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.
વકફની એક ઇંચ જમીન પણ મારા નામે નીકળે તો રાજીનામું આપી દઇશ; ખડગે વિફર્યા
રાજ્યસભામાં ગરમાગરમ ચર્ચા દરમિયાન ભાજપના અનુરાગ ઠાકુરે કોંગ્રેસના નેતા ખડગે પર વકફની જમીન પર કબજો કર્યાનો આરોપ મૂક્યો ત્યારે ગૃહમાં ભારે ગોકીરો અને ધમાલ થઈ ગયા હતા અને આ તકે ખડગેએ એવી ચેલેન્જ કરી હતી કે જો મારા નામે એક ઇંચ જમીન પણ નીકળે તો રાજીનામું આપી દઈશ, નહિતર અનુરાગે રાજીનામું આપવું પડશે.
વકફનો યોગ્ય ઉપયોગ થયો હોત તો મુસ્લિમોને આર્થિક ફાયદો થાતઃ રિજિજુ
રાજ્યસભામાં બિલ રજૂ કરતી વખતે મંત્રી કિરણ રિજીજુએ આ બિલના હેતુ અને તેની આજની જરૂરિયાત સમજાવી હતી અને દરેક ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એમણે કહ્યું કે આ બિલ ધર્મની સામે છે જ નહિ પણ વકફની સંપત્તિનું યોગ્ય સંચાલન કરવા માટે જ છે . જો કોંગ્રેસે એ વક્કુ સંપત્તિનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો મુસ્લિમોને ઘણો આર્થિક ફાયદો થયો હોત પણ એવું થયું નથી માટે વડાપ્રધાન મોદી મુસ્લિમોનાં કલ્યાણ માટે આ કામ કરી રહ્યા છે.
70 વર્ષથી કોંગ્રેસે મુસ્લિમોને પાછળ જ રાખ્યાઃ જે.પી. નડ્ડા
રાજ્યસભાના નેતા નડાએ ચર્ચામાં ભાગ લઈને વિપક્ષની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આ ખરડા અંગે વિપક્ષ દ્વારા માત્ર ભ્રમ ફેલાવાઈ રહ્યો છે . કોંગ્રેસ પર સીધો જ પ્રહાર કરીને એમણે કહ્યું કે મુસ્લિમ હિતની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ ૭૦ વર્ષ સુધી મુસ્લિમ સમાજને પાછળ જ રાખ્યો છે અને ડરાવીને રાખ્યો છે. વડાપ્રધાન મોદીએ મુસ્લિમોને મુખ્ય પ્રવાહમાં લીધા છે . એમણે વિદેશનો ડાંખળી આપીને કહ્યું હતું કે તુર્કીમાં વકફની મિલકતો સરકાર હસ્તક જ છે.