બોલો સેલવાસને સિંગાપોર બનાવવું છે ? પીએમ મોદી
બહેનોને ભોજન બનાવવામાં 10 ટકા ખાદ્યતેલ ઘટાડવા પીએમની સલાહ
આજે નવસારીમાં વડાપ્રધાનનો કાર્યક્રમ : સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત રૂ.2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરત : વડાપ્રધાન એક જ અઠવાડિયામાં ફરી શુક્રવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘપ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના ઉદઘાટન સહિતના રૂ. 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જાહેરસભાને સંબોઘી હતી. જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ સેલવાસ સહિતના સંઘ પ્રદેશના લોકોને સંઘપ્રદેશનો સિંગાપોરની માફક વિકાસ કરવા તૈયારી દર્શાવવાની સાથે દેશમાં મેદસ્વિતાને લઈ ચિંતા વ્યકત કરી માતાઓ-બહેનોને દૈનિક ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલના વપરાશમાં 10 ટકા કાપ મુકવા અપીલ કરી હતી.
શુક્રવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનનું સુરત એરપોર્ટ ખાતે સીઆર પાટીલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું.બાદમાં તેઓ હેલીકૉપટર મારફતે સેલવાસ જવા રવાના થયા હતા, અહીં નવનિર્મિત નમો હોસ્પિટલનું લોકાર્પણ અને બીજા ફેઝનું ખાતમુહૂર્ત કરાયું હતું. સેલવાસ ખાતે દેશની અત્યંત આધુનિક તબીબી સુવિધાઓ સાથે સજ્જ 450 બેડની નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં હાઈટેક ઓપરેશન થિયેટર, રોબોટિક સર્જરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સારવાર ઉપલબ્ધ થશે. જેથી દાદરા નગર હવેલી અને દમણ દીવના નાગરિકોને ઊંચ્ચસ્તરની તબીબી સારવાર માટે વલસાડ, મુંબઈ અથવા સુરત નહી જવું પડે.
બાદ વડાપ્રધાન મોદીએ રોડ શો યોજી જાહેરસભાને સંબોધન કર્યું હતું. સેલવાસમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને લોકોને ગુજરાતીમાં કેમ છો બધા? કહી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દીવ, દમણ, દાદરા નગર હવેલીને માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે નહીં પરંતુ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન, પ્રવાસન, ઉદ્યોગ સહિતના વિકાસ તેમજ બ્લ્યુ ઈકોનોમીનો વિકાસ થાય અને અહીંની ઓળખ બને તેવા પ્રયાસો હોવાનું જણાવ્યું હતું. સાથે જ વડાપ્રધાન મોદીએ અહીંના લોકોને એક નાનકડી વાત કહું તેમ કહેતા જણાવ્યું હતું કે, તમે સિંગાપોર તો જતા જ હશો ! એક સમયે સિંગાપોર પણ માછીમારી કરતા લોકોનું નાનું ગામ હતું અને આજે સિંગાપોર વિશ્વમાં સૌથી મોટું બિઝનેશ હબ બન્યું છે ત્યારે આપણે સેલ્વ્સને સિંગાપોર બનાવવું છે કે નહીં ? મારી તો તૈયારી છે. તમે તમારી તૈયારી બતાવો.
વડાપ્રધાન મોદીએ સેલવાસની જાહેરસભામાં દેશમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,એક રિપોર્ટ મુજબ 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મેદસ્વિતાની સમસ્યાથી પીડિત હશે. આ આંકડો ડરામણો છે. આંકડા જોતા આગામી સમયમાં દર ત્રણમાંથી એક વ્યકિત મેદસ્વિતાને કારણે ગંભીર બીમારીનો શિકાર બની શકે છે.સાથે જ દરેક પરિવારમાં એક વ્યકિત મેદસ્વીતાનો શિકાર હશે. આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈશે. જેથી મારી માતાઓ બહેનોને વિનંતી છે કે, રસોઈ બનાવવામાં કમસેકમ 10 ટકા ખાદ્યતેલનો વપરાશ ઘટાડો સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સુરત ખાતે રોડ શો બાદ લિંબાયત નીલગીરી મેદાનમાં પણ પીએમ મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું હતું.
આજના વડાપ્રધાનના કાર્યક્રમની તમામ જવાબદારી મહિલાઓના શિરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના બે દિવસના પ્રવાસમાં આજે નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે જેમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ 1,50,000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓના શિરે રહેશે, જે આ કાર્યક્રમની વિશેષતા બની રહેશે. વડાપ્રધાનના હેલીપેડથી લઇ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ મહિલા પોલીસ કર્મચારીઓ નિભાવશે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજિત 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.જ્યારે પુરુષ પોલીસ કર્મચારીઓ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે. સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવની પૂર્ણા તોરવણેને જવાબદારી સોંપવામાં આવી છે.