‘વોટ ચોરી’ વિવાદ : મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની વિપક્ષની તૈયારી
“વોટ ચોરી” મુદ્દે ઈન્ડિયા ગઠબંધન અને ચૂંટણી પંચ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. એક તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી, તો બીજી તરફ મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારે પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધીના આક્ષેપોને એક અઠવાડિયામાં સાબિત કરવા અથવા દેશની માફી માંગવાનો પડકાર ફેંક્યો છે. આ પડકારના જવાબમાં વિપક્ષો વધુ આક્રમક બન્યા છે અને હવે મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમાર સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની રણનીતિ હાથ ધરી છે. સોમવારે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની સંસદમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ચૂંટણી પંચ અને ઈન્ડિયા ગઠબંધન સામસામે આવી ગયા છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા વિસ્તારમાં “વોટ ચોરી”નો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપો બાદ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આ મુદ્દે પુરાવા સાથે એફિડેવિટ રજૂ કરવા અથવા માફી માંગવા જણાવ્યું હતું. સામા પક્ષે રાહુલ ગાંધીએ આ માંગણીને ફગાવી દેતાં જણાવ્યું કે, તેમણે જે ડેટા રજૂ કર્યો તે ચૂંટણી પંચનો જ છે, તેમનો નહીં.
આ પણ વાંચો : હૈદરાબાદમાં જન્માષ્ટમી સમારોહમાં દુર્ઘટના : રથ હાઈટેન્શન તારની ચપેટમાં આવતા 5 લોકોના મોત,અફરાતફરીનો માહોલ સર્જાયો
આ ઘટનાને પગલે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષોએ ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો અને બિહારમાં ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં ફેરફાર કરીને ભાજપને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. બિહારની ચૂંટણીપૂર્વે આ મુદ્દો ગરમાગરમ બની ગયો છે ત્યારે રાહુલ ગાંધીએ બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી છે, જે 1,300 કિલોમીટરનું અંતર કાપીને 20 જિલ્લાઓને આવરી લેશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ અને તેના સહયોગી આરજેડીએ બિહારની મતદાર યાદીના વિશેષ સુધારણા કાર્યક્રમ પર આક્ષેપો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો : ફરી એકવાર ડ્રમમાંથી મળી યુવકની લાશ : મીઠામાં જમાવી દીધો પતિનો મૃતદેહ, રાજસ્થાનમાં પણ મેરઠ જેવી હૈયું હચમચાવતી ઘટના
આ આક્ષેપોનો જોરદાર જવાબ આપતાં મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારે રવિવારે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “લોકસભા ચૂંટણીમાં 1 કરોડથી વધુ અધિકારીઓ, 10 લાખથી વધુ બૂથ-લેવલ એજન્ટ્સ અને 20 લાખથી વધુ પોલિંગ એજન્ટ્સ કામ કરે છે. આટલા પારદર્શક પ્રક્રિયામાં અને આટલા લોકોની હાજરીમાં શું કોઈ વોટ ચોરી શકે? કેટલાક ડબલ વોટિંગના આક્ષેપો થયા, પરંતુ જ્યારે અમે પુરાવા માંગ્યા તો કંઈ મળ્યું નહીં.” વિપક્ષના આક્ષેપોને નકારતાં ગ્યાનેશ કુમારે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચ માટે દરેક પક્ષ સમાન છે. અમે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદભાવ નથી કરતા.તેમણે રાહુલ ગાંધીના “વોટ ચોરી”ના આક્ષેપોને બંધારણનું અપમાન ગણાવી અને એફિડેવિટ રજૂ ન કરવા પર માફીની માંગણી કરી હતી. આ બધા વચ્ચે, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમાર સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની રણનીતિ ઘડી છે. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા જેવી જ છે, જેમાં ગેરવર્તણૂક અથવા અયોગ્યતાના આધારે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો પડે છે. જોકે, વિપક્ષ પાસે આ માટે જરૂરી સંખ્યાબળ નથી, તેથી આ પગલું દબાણની રણનીતિ તરીકે જોવામાં આવે છે. કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને આ અંગે જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરે ભાજપના પ્રવક્તાની જેમ નિવેદન આપ્યું છે અને અમે લોકશાહીમાં ઉપલબ્ધ દરેક વિકલ્પનો ઉપયોગ કરીશું.
રાહુલ ગાંધી એફિડેવિટ નહીં આપે તો આક્ષેપો ખોટા ગણવામાં આવશે
મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારે રાહુલ ગાંધીને “વોટ ચોરી”ના આક્ષેપો માટે પુરાવા સાથે એફિડેવિટ રજૂ કરવા અથવા દેશની માફી માંગવા પડકાર ફેંક્યો છે. કર્ણાટકના મહાદેવપુરા વિસ્તારમાં મતદાનની ગેરરીતિના આક્ષેપો પર ચૂંટણી પંચે રાહુલ ગાંધીને શપથપત્ર રજૂ કરવા જણાવ્યું હતું.જો કે રાહુલ ગાંધીએ આ માંગણી ફગાવી અને તેમના આક્ષેપો ચૂંટણી પંચના ડેટા પર આધારિત હોવાનો દાવો કર્યો છે.બીજી તરફ મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધીએ એફિડેવિટ આપવી જ પડશે અથવા માફી માંગવી પડશે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. તેમણે ઉમેર્યું કે એક અઠવાડિયામાં એફિડેવિટ નહીં મળે તો આક્ષેપોને ખોટા ગણવામાં આવશે.
