મણીપુરમાં હિંસા યથાવત : રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મની શંકા
મણિપુરના ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલય શહેરમાં શુક્રવારે રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બાળકી પર દુષ્કર્મ થયું છે અને તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે આ સાથે, અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યાનુસાર, ગુરુવારે સાંજે બાળકી ગુમ થઈ ગઈ હતી, જેના પગલે પરિવારે તેની શોધ શરૂ કરી હતી. બાદમાં શહેરના લાન્વા ટીડી બ્લોકના રાહત શિબિર નજીક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર અનેક ઈજાના નિશાન હતા.
આ ઉપરાંત લોહીના ડાઘ પણ હતા. બાળકી પર દુષ્કર્મ થયો હોવાની શંકા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. . પૂછપરછ માટે 15 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
શાંતિ પાછી ફરશે; સુપ્રીમ કોર્ટના ૬ જજની ટીમ મણિપુર પહોંચી
દરમિયાનમાં સુપ્રીમ કોર્ટના ૬ જજની ટીમ શનિવારે મણિપુરની મુલાકાતે પહોંચી ગઈ હતી. આ ટુકડીએ રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને ત્યાં આશરો લેનારા લોકો સાથે વાતચીત કરીને વિગતો મેળવી હતી. ન્યાયમૂર્તિ ગવઈએ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે અમને આશા છે કે રાજ્યમાં ફરી શાંતિનો માહોલ પૂર્વવત થશે. જજોએ હિંસાના પીડિતોને સધિયારો આપ્યો હતો અને સ્થિતિની સમીક્ષા કરી હતી. વિસ્થાપિત લોકોને ન્યાય મળશે તેમ પણ આ ટીમે કહ્યું હતું.