VIDEO: રાજકોટમાં જ્વેલર્સના શો-રૂમમાં મહિલાએ સ્ટાફની નજર ચૂકવી પેન્ડન્ટ સેટ સેરવી લીધા,ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ
રાજકોટના પેલેસ રોડ પર નીલકંઠ જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલી બે અજાણી મહિલાઓએ સ્ટાફની નજર ચૂકવી 90,000ની કિંમતના સોનાના પેન્ડન્ટ સેટની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શો-રૂમના માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગણતરીની કલાકોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની વિગતો મુજબ, અયોધ્યા ચોક વિસ્તારમાં રહેતા અને પેલેસ રોડ પર નીલકંઠ જ્વેલર્સ નામનો શો-રૂમ ધરાવતા ધ્રુવિતભાઇ કેતનભાઇ ધોળકીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 25/12/2025ના રોજ બપોરે આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણી મહિલાઓ દાગીના ખરીદવાના બહાને શો-રૂમ પર આવી હતી. આ મહિલાઓએ સોનાની વાળી અને પેન્ડન્ટ સેટ જોવાનું કહેતા સ્ટાફ દ્વારા અલગ-અલગ ઘરેણાં બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાઓએ વાળીનું કોટેશન કઢાવ્યું હતું. પરંતુ ભાવ વધારે હોવાનું જણાવી રકઝક કરી કોઈ પણ ખરીદી કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ હતી.
સાંજે પાંચ વાગ્યે જ્યારે સ્ટાફ દ્વારા સ્ટોકની ગણતરી કરી ત્યારે એક પેન્ડન્ટ સેટ ઓછો જોવા મળ્યો હતો. શંકા જતાં શો-રૂમના CCTV ફૂટેજ તપાસતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે, જ્યારે સ્ટાફ દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ બે મહિલાઓ પૈકીની એક મહિલાએ સ્ટાફની નજર ચૂકવી સોનાનો પેન્ડન્ટ સેટ (કિંમત 90 હજાર) એક નાના બોક્સમાં મૂકી પોતાના પર્સમાં મૂકી દીધો હતો. એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આરોપી સોનલ હીરાભાઇ સોલંકી (ઉ.વ.38)ની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.
