VIDEO : આ મારી માતાનું નહીં, દેશની માતાઓનું અપમાન થયું છે,વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ RJDને આડે હાથે લીધા
વડાપ્રધાન મોદીએ તેમના દિવંગત માતાને કોંગ્રેસ અને આરજેડી ના મંચ ઉપરથી અપશબ્દો કહેવાયા હોવાનો આક્ષેપ કરી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
બિહારમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે સરળ ધિરાણ પૂરું પાડવા બિહાર રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડનો પ્રારંભ કરાવ્યા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 20 લાખ મહિલાઓને સંબોધતાં, વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેમની સ્વર્ગસ્થ માતા, હીરાબેન મોદીએ ગરીબી સામે સંઘર્ષ કરીને તેમને અને તેમના ભાઈ-બહેનોનો ઉછેર કર્યો હતો. તેમણે કહ્યું, “માતા બીમાર હોવા છતાં કામ કરતી રહેતી. તે અમારા માટે કપડાં બનાવવા દરેક પૈસો બચાવતી. આપણા દેશમાં કરોડો એવી માતાઓ છે. માતાનું સ્થાન દેવી-દેવતાઓથી પણ ઉપર છે.”
તેમણે કહ્યું કે કોંગ્રેસ-આરજેડીના મંચ પર ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો માત્ર મારી માતા માટે જ નહીં, પરંતુ કરોડો માતાઓ અને બહેનો માટે હતા. રાજવી પરિવારોમાં જન્મેલા રાજકુમારોને વંચિત માતા અને તેના પુત્રના સંઘર્ષની પીડા નહીં સમજાય. આ લોકો ચાંદીના ચમચા સાથે જન્મ્યા છે. તેઓ માને છે કે બિહારની સત્તા તેમના પરિવારોની છે.
મોદીએ વધુમાં કહ્યું કે આ અપશબ્દોએ માત્ર મારી માતાનું જ નહીં, પરંતુ ભારતની દરેક માતા અને બહેનનું અપમાન કર્યું છે. મને ખાતરી છે કે તમે પણ આ સાંભળીને મારા જેટલું જ દુઃખ અનુભવો છો.
આ પણ વાંચો :દવાઓ થશે મોંઘી? દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતને થશે અસર
નોંધનીય છે કે બિહારના દરભંગા જિલ્લામાંથી એક વાયરલ વીડિયોમાં યુવાનોનું એક જૂથ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના ફોટા સાથેના મંચ પર વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતું જોવા મળ્યું હતું. તે પછી ભાજપે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ઉપર વડાપ્રધાનના માતા નું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરી દેખાવો કર્યા હતા. હવે મોદીએ પણ એ આક્ષેપો દોહરાવતા બિહારની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આ મુદ્દો ગાજતો રહેશે તેવા એંધાણ મળી રહ્યા છે.
