જીત દુબઈમાં, જબરદસ્ત ઉજવણી ‘વોઈસ ઓફ ડે’ના આંગણે…!! રાજકોટમાં જશ્નનો માહોલ
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫નો ફાઈનલ મુકાબલો રમાયો હતો. આમ તો શરૂઆતથી જ ભારત આ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર હતું આમ છતાં ન્યુઝીલેન્ડે મજબૂત ફાઈટ આપી હતી પરંતુ અંતમાં ભારતે શાનદાર જીત મેળવી સળંગ બીજી આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી હતી.

હવે ક્રિકેટમાં ભારત જીત્યું હોય અને તેની ઉજવણી રાજકોટમાં જોરશોરથી ન થાય તેવું ક્યારેય બની શકે ? બિલકુલ નહીં…! બપોરે ૨:૩૦ વાગ્યાથી ટીવી સામે ગોઠવાઈ ગયેલા ક્રિકેટરસિકો જેવી સાંજ પડી કે બહાર નીકળ્યા હતા.

બીજી બાજુ ‘વોઈસ ઓફ ડે’નાં આંગણે વિશાળ સ્ક્રીન ઉપર ‘લાઈવ’ મેચ બતાવાઈ રહી હોવાથી સાંજથી જ ક્રિકેટરસિકોનો જમાવડો થવા લાગ્યો હતો અને જેવી ટીમ ઈન્ડિયા જીતી કે મોટી સંખ્યામાં એકઠા થયેલા ક્રિકેટરસિકો ઝૂમી ઉઠ્યા હતા અને હો હા, દેકારા, આતશબાજી સાથે રસ્તો ગજવી મુક્યો હતો. આ ઉપરાંત રેસકોર્સ રિંગરોડ, એસ્ટ્રોન ચોક સહિતના રસ્તાઓ પણ જામપેક જોવા મળ્યા હતા.
