યુપીના ધારાસભ્યને એક ન્યાયધીશે નિર્દોષ છોડ્યા, બીજાએ ત્રણ વર્ષની સજા ફટકારી
હાઇકોર્ટના બે ન્યાયાધીશોના અલગ અલગ ચુકાદા
ઉત્તર પ્રદેશની ગોસાઈ ગંજ બેઠકના સમાજવાદી પાર્ટીના બળવાખોર બાહુબલી ધારાસભ્ય અભય સિંહને અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચના એક ન્યાયાધીશે હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષની સજા ફટકારી હતી તો બીજાની ન્યાયાધીશે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
બે ન્યાયાધીશોની બનેલી ખંડપીઠમાં અલગ અલગ ચુકાદા આવતા હવે આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની કોર્ટમાં થશે.
અયોધ્યાના વિકાસ સિંહ નામના શખ્સની ગાડી ઉપર 2010માં અભય સિંહ અને તેના મળતીયાઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ અંગે વિકાસ સિંહે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવ્યા બાદ આંબેડકર નગરની જિલ્લા અદાલતમાં તે કેસ ચાલ્યો હતો.2014માં એ અદાલતે અભય સિંહને નિર્દોષ છોડી મૂક્યા હતા. એ ચુકાદા સામે વિકાસ સિંહે હાઇકોર્ટમાં દાદ માગી હતી અને તેની સુનાવણી બાદ ન્યાયમૂર્તિ એ. આર. મસૂદીએ અભયસિંહ ને દોષિત માની ત્રણ વર્ષની સજા ફટકારી હતી. બીજી તરફ જસ્ટિસ અભય શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ જાહેર કરી દેતા કાનૂની ગુંચ સર્જાઇ છે.
નોંધનીય છે કે અભય સિંહની ગણના બાહુબલી ધારાસભ્ય તરીકે થાય છે. તેમની સામે હત્યા સહિતના 10 ગુના નોંધાયા છે. સમાજવાદી પક્ષની ટિકિટ ઉપરથી ચૂંટાયા બાદ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી સમયે તેમણે અખિલેશ યાદવ નો સાથ છોડી ભાજપના ઉમેદવાર ની તરફેણમાં મતદાન કર્યું હતું.