એમપીમાં પણ યુપીવાળી થઈ રહી છે, શું થયું ? જુઓ
યુપીની જેમ હવે એમપીમાં પણ બુલડોઝર ફરી રહ્યા છે અને દબાણો દૂર કરવાની કવાયત શરૂ કરાઇ છે અને તેને પગલે ભારે ચર્ચા પણ જાગી છે. રવિવારે અહીં રૂપિયા 100 કરોડની કિમતની જમીન પરનું દબાણ હટાવવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. ગ્વાલિયર પાસે તારાગંજ વિસ્તારમાં આ કાર્યવાહી થઈ હતી.
અહેવાલો મુજબ આ જમીન રામજાનકી મંદિર ટ્રસ્ટની છે અને લગભગ પોણા નવ વીઘા જમીન હતી અને તે સરકારી જમીન પણ ગણવામાં આવે છે. આ ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું અને હવે અન્ય સ્થળો પર પણ આ મુજબ જ દબાણો દૂર કરાશે તેવી ચર્ચા થઈ રહી છે.
આ જમીન પર બાઉન્ડ્રી વોલ બનાવી દેવામાં આવી હતી અને અન્ય બાંધકામ પણ કરાયું હતું. આ બધા જ દબાણો રવિવારે દૂર કરીને રૂપિયા 100 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. આ જગ્યા પર પ્લોટ બનાવીને વેચવાની તૈયારી પણ ચાલી રહી હતી. આ બારામાં ફરિયાદ થયા બાદ તપાસના અંતે કાર્યવાહી થઈ હતી.
થોડા દિવસો પહેલા જ કલેકટર દ્વારા આ જગ્યા પર નિરીક્ષણ કરાયું હતું અને તે અંગેનો રિપોર્ટ તૈયાર થયો હતો. બધી જ જાણકારી એકત્ર કરીને આ જમીન પર ગેરકાયદે કબજો થયો હોવાનું બહાર આવ્યું હતું.