કાશ્મીરમાં ફરી અશાંતિ: કોલેજો બંધ
ઇસ્લામ ધર્મના સ્થાપક વિશે વાંધાજનક પોસ્ટ સોશ્યલ મીડિયા પર મુકાયા બાદ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર સાહેબ વિશે સોશ્યલ મીડિયા પોસ્ટને પગલે જમ્મુ-કાશ્મીરની યુનિવર્સિટી અને કોલેજોમાં ભારે તણાવ ફેલાઈ ગયો હતો. શ્રીનગરમાં આવેલી એનઆઇટી ખાતે આ પોસ્ટના વિરોધમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને એનઆઈટી બંધ કરી દેવામાં આવી હતી.
અન્ય સંસ્થાનોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. સુરક્ષાદળના જવાનો પણ સતર્ક થઈ ગયા હતા. શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ જવાનો ગોઠવાઈ ગયા હતા. સશસ્ત્ર પોલીસને પણ ગોઠવી દેવાઈ હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને એવી માહિતી આપી હતી કે, કોમી તણાવ અને અશાંતિ સર્જવા માટે આવી પોસ્ટ મૂકવામાં આવી છે અને તે બારામાં કલમ 295 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોણે પોસ્ટ મૂકી હતી? તેની તપાસ ચાલુ છે. આરોપીઓને ટૂંક સમયમાં જ શોધી લેવામા આવશે. 7 જેટલા છાત્રની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.