ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી : 17 હજાર વોટ્સએપ એકાઉન્ટ બંધ
ડિજિટલ એરેસ્ટની છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું લઈને કેન્દ્રના ગૃહ મંત્રાલયે 17,000 થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. આ એકાઉન્ટ્સ મોટાભાગે કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ જેવા સાયબર અપરાધી પ્રવૃત્તિઓનું આયોજન કરતા દેશો સાથે જોડાયેલા હતા.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, આ ખાતાઓનો ઉપયોગ વિવિધ ઓનલાઈન નાણાકીય કૌભાંડોમાં સામેલ છેતરપિંડી કરનારાઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. કેન્દ્ર સરકાર આ પ્રવૃત્તિ સામે વધુ સજાગ અને ગંભીર બની ગઈ છે અને લોકોને પણ સતત સાવધાન કરવામાં આવી રહ્યા છે.
ફરિયાદના આધારે કાર્યવાહી
પીડિતોની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે ફરિયાદોની સમીક્ષા કરી, શંકાસ્પદ એકાઉન્ટ્સની ઓળખ કરી અને વોટ્સએપને આ નંબરોને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો. આ ઓપરેશનથી કંબોડિયા, મ્યાનમાર અને લાઓસથી કાર્યરત નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આમાંના ઘણા કોલ સેન્ટર કંબોડિયામાં ચાઈનીઝ કેસિનોમાં આવેલા છે.
માનવ તસ્કરી પણ વધી રહી છે
આ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેવી રીતે માનવ તસ્કરો ભારતીય નાગરિકોને નોકરીની તકોનું વચન આપીને કંબોડિયા જેવા દેશોમાં લઈ જાય છે. જો કે, એકવાર ત્યાં પહોંચ્યા પછી, આ વ્યક્તિઓને વારંવાર સાયબર અપરાધી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ફરજ પાડવામાં આવે છે, જેમાં છેતરપિંડીભર્યા કોલ સેન્ટર ચલાવવાનો સમાવેશ થાય છે. પીડિતોને ઓનલાઈન સ્કેમમાં ફસાવવામાં આવે છે અને વિદેશમાં તેમની નબળાઈઓનો લાભ લેવામાં આવે છે.