વન નેશન વન ઇલેક્શન બિલને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી : ટૂંક સમયમાં સંસદમાં થઈ શકે છે રજૂ
મોદી કેબિનેટે ગુરુવારે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. હવે તેને ટૂંક સમયમાં સંસદમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદના આ શિયાળુ સત્રમાં જ આ બિલ લાવી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં વન નેશન વન ઈલેક્શન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ તાજેતરમાં જ સુપરત કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ બાદ હવે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો તમામ પક્ષોના સૂચનો લેવા માટે સંસદમાં જેપીસીની રચના પણ થઈ શકે છે. દેશભરમાં સમયાંતરે એક સાથે ચૂંટણી કરાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા વિવિધ ચૂંટણીઓ પર વારંવાર થતા મોટા ખર્ચને પણ ટાળી શકાય છે. જો કે, વિપક્ષ સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની વિરુદ્ધ છે.
કેન્દ્ર માટે વન નેશન વન ઇલેક્શન લાગુ કરવું એટલું આસાન નહીં હોય, કારણ કે આ માટે તેણે બંધારણમાં સુધારા માટે ઓછામાં ઓછા છ બિલ લાવવા પડશે. આ માટે સરકારને સંસદમાં બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે. રાજ્યસભામાં NDA પાસે 112 બેઠકો છે અને વિપક્ષ પાસે 85 બેઠકો છે, જ્યારે સરકારને બે તૃતીયાંશ બહુમતી માટે 164 મતોની જરૂર પડશે. એ જ રીતે, લોકસભામાં પણ એનડીએ પાસે 292 બેઠકો છે, જ્યારે બે તૃતીયાંશનો આંકડો 364 છે.
આ કારણસર સરકાર ઈચ્છે છે કે તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવે અને પછી જ તેને પાસ કરવામાં આવે. વન નેશન વન ઇલેક્શનની ચર્ચા માત્ર નેતાઓ સાથે જ નહીં પરંતુ દેશભરના બૌદ્ધિકો અને રાજ્યોની વિધાનસભાઓના અધ્યક્ષો સાથે પણ થઈ શકે છે.