રાજકોટ જિલ્લામાં બે ધાર્મિક દબાણ રેગ્યુલાઇઝડ, હજુ પણ 2298 દબાણ, જાણો જિલ્લામાં પંચાયત વિભાગ હસ્તક કેટલા દબાણ
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશને પગલે રાજ્યભરમાં ધાર્મિક દબાણ હટાવવા માટે વખતો વખત કામગીરી થઇ રહી છે. જો કે, રાજકોટ જિલ્લામાં ધાર્મિક દબાણ હટાવવા મામલે તંત્ર ધીમી પણ મક્ક્મતાથી કામગીરી કરી રહ્યું છે. તાજા ભૂતકાળમાં રાજકોટ -અમદાવાદ હાઇવે અને રાજકોટ જેતપુર હાઇવે પરના ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હોવાની સાથે પંચાયત વિભાગ હસ્તકના બે દબાણ રેગ્યુલાઇઝડ પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં હજુ પણ મહેસુલ વિભાગ હસ્તકના 2000 તેમજ પંચાયત વિભાગ હસ્તકના 298 ધાર્મિક દબાણો યથાવત હોવાનું સામે આવ્યું છે.

સરકારી જમીન અને જાહેર માર્ગો ઉપર ધાર્મિક દબાણો મામલે હાઇકોર્ટ દ્વારા સુપ્રીમકોર્ટના દિશા નિર્દેશ મુજબ કડક હાથે કામગીરી કરવા આદેશ કરી વખતો વખત ધાર્મિક દબાણ અંગે રીવ્યુ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં દેવભૂમિ દ્વારકા, સોમનાથ અને જૂનાગઢમાં મસ મોટા ઓપરેશન કરી વર્ષ 2024 -25માં 600થી વધુ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં મહેસુલ અને પંચાયત વિભાગ હસ્તક કુલ 2300 જેટલા ધાર્મિક દબાણો ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાં રેવન્યુ હસ્તકના 2000 જેટલા તેમજ પંચાયત વિભાગ હસ્તકના 298 જેટલા દબાણ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં તાજા ભૂતકાળમાં નેશનલ હાઈવેને નડતરરૂપ દબાણો તાજા ભૂતકાળમાં દૂર કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ અમદાવાદ હાઇવે, રાજકોટ જેતપુર હાઈવેના દબાણોનો સમાવેશ થાય છે. દરમિયાન પંચાયત વિભાગ દ્વારા ધાર્મિક દબાણની સમીક્ષામાં પડધરી અને કોટડા સાંગાણીમાં બે ધાર્મિક દબાણ નિયમિત કરવામાં આવ્યા હોવાનું અને ગોંડલ તાલુકામાં 4 દબાણ મહેસુલ વિભાગને તબદીલ કરવામાં આવ્યા હોવાનું અને 22 દબાણ દૂર કરવામાં આવતા હાલમાં પંચાયત વિભાગ હસ્તક 298 ધાર્મિક દબાણ દૂર કરવાના બાકી હોવાનું સામે આવ્યું છે.
