મણીપુરમાં બે દિવસમાં બે પોલીસ જવાન શહીદ, 3ને ઈજા
પોલીસ ચોકીમાંથી શસ્ત્રો લૂંટવાનો પ્રયાસ
મણીપુરમાં વધુ પાંચ લોકોના મોત પોલીસ થાણા પર ટોળાના હુમલા
મણીપુરમાં ફરી એક વખત હિંસા ભડકી છે. બુધવારે સામસામે ગોળીબારમાં બે પોલીસ જવાનોના મૃત્યુ થયા તે પછી શુક્રવારે બનેલી હિંસક ઘટનાઓમાં મેઇતી સમુદાયના વધુ પાંચ લોકો માર્યા ગયા હતા. અન્ય એક ઘટનામાં બીએસએફના ત્રણ જવાનો ગોળીબારમાં ઘાયલ થયા હતા. ટોળાઓએ બે પોલીસ થાણા પર હુમલા કરી શસ્ત્રો લૂંટવાનો પ્રયાસ કરતા વાતાવરણ સ્ફોટક બન્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ મેઇતિ અને કુકી સમુદાયોની બહુમતી ધરાવતા વિસ્તારોને જોડતી સરહદ પર શુક્રવારે અલગ અલગ બે હિંસક ઘટનાઓ બની હતી. ઇમ્ફાલ વેસ્ટ જિલ્લાના કાંગચૂપ માંથી એક વ્યક્તિનો ગોળી થી વીંધાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય એક બનાવમાં બિશનપુર જિલ્લામાં બંને સમુદાયો વચ્ચે થયેલા સામ સામા ગોળીબારમાં પણ મેઈતી સમુદાયના ચાર લોકોના મૃત્યુ થયા હતા.
પોલીસ થાણા પણ સલામત નથી
બુધવારે ખાંગવોક અને થોઉબાલ પોલીસ હેડ ક્વાર્ટર પર કુકી સમુદાયના ટોળાએ હુમલા કર્યા હતા અને બંને સ્થળેથી શસ્ત્રો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. એ ટોળાંઓને કાબુમાં લેવા પ્રયાસ કરનાર બીએસએફના જવાનો પર ગોળીબાર થતા ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
મ્યાનમારના ઘૂસણખોરો સક્રિય?
મણીપુરના સિક્યુરિટી એડવાઈઝર કુલદીપ સિંહએ વધેલી હિંસા માટે મ્યાનમારના ઘુસણખોરો જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બુધવારે બે પોલીસ જવાનોના મૃત્યુ થયા તે પૂર્વે મ્યાનમારમાંથી ઘૂસણખોરી કરી અને સશસ્ત્ર દળો પર હુમલો થઈ શકે છે તેવા ઇન્ટેલિજન્સ આઉટપુટ મળ્યા હતા. જોકે આ હિંસામાં વિદેશી તાકાતોનો હાથવા અંગે હજુ સુધી કોઈ પુરાવા ન મળ્યા હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.