તુહિન કાંતા પાંડેની સેબીના નવા ચેરમેન તરીકે નિમણુંક : માધવી પુરી બુચનું સ્થાન લેશે
તુહિન કાંતા પાંડે સેબીના નવા ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. હાલ તેઓ કેન્દ્રીય નાણા અને મહેસૂલ વિભાગમાં સચિવ છે. તુહિન કાંતા પાંડે સેબીમાં માધવી પુરી બુચનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. તુહિન કાંતા પાડે નાણાંકીય વિભાગમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. ભારત સરકારની ખોટ કરતી એર ઈન્ડિયા એરલાઇન્સના વેચાણમાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી.
પર્સોનલ, પબ્લિક ગ્રિવેન્શ એન્ડ પેન્શન મંત્રાલય દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કેબિનેટની નિમણૂક સમિતિએ 1987 બેચના ઓડિશા કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી તુહીન કાંત પાંડે ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તુહિન કાંતા પાંડેની નિમણૂક તે ચાર્જ સંભાળશે તે તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે રહેશે. તુહીન કાંત પાંડે એ સપ્ટેમ્બર, 2024 માં દેશના નાણાં સચિવ તરીકેની જવાબદારી સંભાળી હતી.
તુહિન કાંતા પાંડે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ (ડીપીઇ) અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ)ના વડા સહિત અનેક મોટા અને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ખાસ કરીને એર ઇન્ડિયાના એતિહાસિક ડિસઇન્વેસ્ટમેન્ટ અને એલઆઈસી કંપનીના શેરબજારમાં લિસ્ટિંગના મોનેટરિંગ માટે પણ જાણીતા છે.