સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર અંગે ટ્રમ્પની ટીપ્પણી
આઠ મહિનાથી અવકાશમાં એકલા છે, કદાચ તેઓ પ્રેમમાં પડી ગયા હોય !!
સુનિતા વિલિયમ્સના વાળને સુંદર અને મજબુત ગણાવ્યા
સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન, 2024થી અવકાશમાં અટવાયેલા છે. બંનેને પૃથ્વી પર પરત લાવવાની નાસાના પ્રયાસો હજુ સુધી સફળ નથી થયા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ચર્ચા જાગી છે.
બંને અવકાશયાત્રી 8 મહિનાથી અવકાશમાં ફસાયેલા હોવાથી ટ્રમ્પે એ બાબતે હળવી રમૂજ કરતાં કહ્યું હતું કે, ‘આશા છે કે તેઓ એકબીજાને પસંદ કરતા હશે, કદાચ તેઓ એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હોય!’ સ્પેસ સ્ટેશનમાં રહેતાં સુનિતા વિલિયમ્સના વાળ હવામાં ઊડતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એ બાબતે ટિપ્પણી કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘સુનીતાના વાળ સરસ, મજબૂત છે.’
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પર બંને અવકાશયાત્રીઓને ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’પર ફસાયેલા છોડી દેવાનો આરોપ લગાવતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે તમને લેવા માટે આવી રહ્યા છીએ.’
સુનિતા વિલિયમ્સના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. વિલ્મોરને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાનું કામ ઈલોન મસ્કને સોંપ્યું છે. આ દિશામાં જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં અવકાશયાત્રીઓ 19મી અથવા 20મી માર્ચે પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા છે. મોટેભાગે તેઓ સ્પેસ એક્સ વાહન દ્વારા પાછા ફરશે. પૃથ્વી પર પાછા ફર્યા પછી, બંને અવકાશયાત્રીની સઘન તબીબી તપાસ કરવામાં આવશે.