ભારતના ચોખા ઉપર વધારાનો ટેરિફ લગાવવાની ટ્રમ્પની ધમકી
યુએસના સ્થાનિક કૃષિ ઉત્પાદકો માટે ભારત ખતરારૂપ
ભારત સાથે વેપાર વાટાઘાટોમાં ખાસ નોંધપાત્ર પ્રગતિ નથી થઈ ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત નવો મોરચો ખોલી ભારતના કૃષિ ઉત્પાદનો અને ખાસ કરીને ચોખાની આયાત પર વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપી હતી.
અમેરિકન અર્થતંત્રમાં કૃષિ ની ભૂમિકા અંગેની ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે કૃષિ આયાતો સ્થાનિક ઉત્પાદકો માટે પડકાર જનક છે અને તે સમસ્યાનો ઉકેલ ટેરિફ દ્વારા જ આવી શકશે. તેમણે વારસાગત ફુગાવો અને ઘટેલી ચીજવસ્તુઓના ભાવ ગણાવ્યા પછી, કૃષિ અર્થતંત્રને સ્થિર કરવા માટે નવી સહાયને આવશ્યક ગણાવી હતી તેમણે ઉમેર્યું કે ખેડૂતો એક અનિવાર્ય રાષ્ટ્રીય સંપત્તિ છે, જે અમેરિકાની કરોડરજ્જુનો ભાગ છે.
એ દરમિયાન ભારતમાંથી આયાત તથા ચોખા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. લ્યુઇસિયાનાના એક ઉત્પાદકે દક્ષિણના ખેડૂતો માટે તેને વિનાશક ગણાવ્યું હતું. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારતીય કંપનીઓ અમેરિકાના છૂટક ચોખા બજારમાં “બે સૌથી મોટી બ્રાન્ડ” ધરાવે છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે ટેરિફ દ્વારા બે મિનિટમાં જ એ સમસ્યાનું નિરાકરણ થઈ જશે. ઉમેર્યું કે ભારતે અમેરિકામાં ચોખાનું ડમ્પીંગ ન કરવું જોઈએ.
નોંધનીય છે કે છેલ્લા દાયકામાં ભારત-અમેરિકાના કૃષિ વેપારમાં વધારો થયો છે, જેમાં ભારત બાસમતી, અન્ય ચોખાના ઉત્પાદનો, મસાલા અને દરિયાઈ માલની નિકાસ કરે છે .યુએસ બદામ, કપાસ અને કઠોળની પણ આયાત કરે છે. સબસિડી, બજાર પ્રવેશ અને વિશ્વ વેપાર સંગઠનની ફરિયાદો , ખાસ કરીને ચોખા અને ખાંડને લગતા વિવાદો સમયાંતરે દ્વિપક્ષીય વાટાઘાટોમાં તણાવ પેદા કરે છે ત્યારે ટ્રમ્પની આ નવી ધમકીને ખૂબ સૂચક માનવામાં આવે છે.
