પ્રથમ પોસ્ટિંગ સંભાળવા જઈ રહેલા 26 વર્ષના આઈપીએસ ઓફિસરનું કરુણ મોત
પોલીસ વાહનનું ટાયર ફાટતાં ગોઝારો અકસ્માત સર્જાયો
કર્ણાટકમાં કાળ ક્રૂર છેતરપિંડી કરી ગયો
કર્ણાટકમાં એક અત્યંત કરુણ ઘટનામાં પોતાનું પ્રથમ પોસ્ટીંગ સંભાળવા જઈ રહેલા હર્ષ વર્ધન નામના 26 વર્ષના યુવાન આઇપીએસ અધિકારીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મૂળ મધ્ય પ્રદેશના 2023ની કર્ણાટક કેડરના આ અધિકારીએ મૈસુરની પોલીસ એકેડમીમાં ચાર અઠવાડિયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેમની હસન જિલ્લાના હોલેનરાસિપુર ખાતે પ્રોબેશનરી આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.હર્ષ વર્ધનનું પ્રથમ પોસ્ટિંગ હતું પણ ક્રૂર કાળે કંઈક અલગ જ ધાર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ નવનિયુક્ત અધિકારી ચાર્જ સંભાળવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પોલીસ વાહનનું ટાયર ફાટતાં એ વાહન વૃક્ષો અને મકાનો સાથે અથડાયું હતું. માથામાં ગંભીર ઈજા સાથે હર્ષવર્ધનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે દમ તોડી નાખ્યો હતો.
આ કરુણ ઘટનાને પગલે કર્ણાટકના પોલીસબેડામાં ઘેરા શોક ની લાગણી પ્રસરી ગઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સીધ્ધારમૈયાએ આ ગોઝારી ઘટના અંગે દુઃખની લાગણી પ્રગટ કરી હતી. વર્ષોની આકરી મહેનતના ફળ મળવાનું શરૂ થયું ત્યારે જ એક આશાસ્પદ અધિકારીનું મૃત્યુ થવું એ અત્યંત આઘાતજનક છે તેમ જણાવી તેમણે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પૂર્વ મુખ્યમંત્રી સાદનંદા એ પણ આઘાત વ્યક્ત કર્યો હતો.