મધ્યપ્રદેશમાં દુર્ઘટના : રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 2 બાળકો સહિત 4 લોકોના મોત
મધ્ય પ્રદેશના દેવાસ શહેરમા શનિવારે વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ આગની દુર્ઘટનામાં દિનેશ સુથાર (ઉં.વ. 35), ગાયત્રી સુથાર (ઉં.વ. 30), ઈશિકા (ઉં.વ.10), ચિરાગ (ઉં.વ.7)નો સમાવેશ થાય છે. આ ઘરમાં દિનેશ તેના પરિવાર સાથે રહેતો હતો. તેમના 3 માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં દૂધની ડેરી હતી. ડેરીમાં આગ લાગતાં આગ બીજા માળ સુધી પહોંચી હતી. પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગમાં શ્વાસ રુંધાવાથી ચાર લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું હતું કે શ્વાસ રૂંધાઈ જવાથી ૪ લોકોના મોત થઈ ગયા હતા. જો કે આ ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી.