GSTના કરચોરોને શોધી કાઢવા હવે ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ સિસ્ટમ
જે વસ્તુ કે પેકેટમાં કરચોરી થાય છે તેને ચિન્હિત કરી ટ્રેક કરવા ખાસ મીકેનીઝમ
કાઉન્સિલની 55મી બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી : કાનૂની માળખુ ઉભુ કરી સપ્લાય ચેઈન ઉપર નજર રખાશે
આપણા દેશમાં જી.એસ.ટીમાં દર વરસે કરોડો રૂપિયાની કરચોરી થાય છે અને સરકાર ગમે તેટલા પ્રયાસો કરે છે છતાં કરચોરી અટકતી નથી ત્યારે આ દુષણ ઓછું કરવા માટે હવે સરકારે નવુ મીકેનીઝમ વિકસાવ્યુ છે. સરકારે ‘ ટ્રેક એન્ડ ટ્રેસ’ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લીધો છે અને આ માટેની દરખાસ્તને તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામનનાં અધ્યક્ષ સ્થાને મળેલી જી.એસ.ટી કાઉન્સિલની બેઠકમાં મંજુરી પણ આપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ એક ખાસ પધ્ધતિથી કામ કરશે, જેનાથી ટેક્સ ચોરી કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.
આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેના વિશે વાત કરતા, GST કાઉન્સિલના સુત્રોએ કહ્યું હતું કે, ટ્રેક એન્ડ ટ્રેસ હેઠળ, જે વસ્તુઓ અથવા પેકેટોમાં કરચોરી સૌથી વધુ થાય છે તેના પર ચોક્કસ ચિહ્ન મૂકવામાં આવશે. આ સપ્લાય ચેઇનમાં તેમને ટ્રેક કરવાનું સરળ બનાવશે. આમ કરવાથી, કરચોરી કરનારાઓ તેમનું કામ કરી શકશે નહીં અને જો તેઓ આમ કરશે તો તેઓ સરળતાથી પકડાઈ જશે.
GST કાઉન્સિલ દ્વારા જણાવ્યા મુજબ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો હેતુ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 માં કલમ 148A દ્વારા જોગવાઈનો સમાવેશ કરવાનો છે, જેથી કરીને કરચોરીની સંભાવના ધરાવતા ઉત્પાદનો પર નજર રાખી શકાય.
આ સિસ્ટમ વિકસાવવા માટે કાનૂની માળખું ઉપલબ્ધ થશે અને સપ્લાય ચેઇનમાં કરચોરીની સંભાવના ધરાવતી વસ્તુઓ પર નજર રાખવી સરળ બનશે.