આજે વસંત પંચમી: ભોજશાળામાં પ્રાર્થના કરવા બંને સમુદાયોને સુપ્રીમની લીલીઝંડી,પૂજા અને નમાજ એક જ પરિસરમાં થશે
સર્વોચ્ચ અદાલતે આજે શુક્રવારને વસંત પંચમીના દિવસે મધ્ય પ્રદેશના ધારમાં આવેલ ભોજશાળા મંદિર-કમાલ મૌલાના મસ્જિદમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાય ને અલગ અલગ સમય પ્રાર્થના કરવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે વસંત પંચમીના દિવસે હિન્દુ સમુદાયને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજશાળામાં પૂજા-અર્ચના કરવાની મંજૂરી આપવામાં આવે છે, જ્યારે મુસ્લિમ સમુદાયને બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી શુક્રવારની નમાજ અદા કરવાની છૂટ રહેશે.
અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે નમાજ માટે આવનાર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની યાદી જિલ્લા વહીવટીતંત્રને અગાઉથી આપવી ફરજિયાત રહેશે. સાથે જ બંને સમુદાયોને પરસ્પર સન્માન જાળવીને રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ સુનાવણી હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ (એચએફજે) દ્વારા દાખલ કરાયેલી અરજી પર થઈ હતી, જેમાં વસંત પંચમીના દિવસે ભોજશાળામાં હિન્દુઓને વિશિષ્ટ રીતે પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. એચએફજે તરફથી એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 2 જાન્યુઆરીએ અરજી દાખલ કરી હતી અને મામલાને તાત્કાલિક સુનાવણી માટે રજૂ કર્યો હતો.
આ પણ વાંચો :26મી જાન્યુ.એ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…અમદાવાદની 10થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ
ધારમાં ચાંપતો બંદોબસ્ત, હાઇ એલર્ટ
વસંત પંચમીને લઈને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજે 8,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં રાજ્ય પોલીસ ઉપરાંત સીઆરપીએફ અને આરએએફના જવાનો પણ સામેલ છે. શહેરભરમાં પગપાળા તથા વાહન પેટ્રોિંલગ ચાલી રહ્યું છે, સીસીટીવી મારફતે નજર રાખવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ કડક મોનિટિંરગ કરવામાં આવી રહ્યું છે.
શું છે ભોજશાળા વિવાદ?
ધાર ખાતે આવેલી ભોજશાળા 11મી સદીનું ઐતિહાસિક સ્મારક છે. હિન્દુ સમુદાય તેને વિદ્યાની દેવી વાગ્દેવી (સરસ્વતી)ને સમર્પિત મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમાલ મૌલા મસ્જિદ તરીકે ઓળખે છે. 2003ના એએસઆઇ આદેશ મુજબ મુસ્લિમોને શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી નમાજની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે હિન્દુઓને દર મંગળવારે અને વસંત પંચમીના દિવસે વિશેષ પૂજા કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, વસંત પંચમી શુક્રવારે આવે ત્યારે વ્યવસ્થા અંગે અત્યાર સુધી સ્પષ્ટ માર્ગદર્શિકા નહોતી.એ સંજોગોમાં સર્વોચ્ચ અદાલતે આ સંતુલિત ચુકાદો આપ્યો હતો.
