ફુઆ ઠપકો આપશે તેવા ડરથી 16 વર્ષીય ભત્રીજાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ફૈબાની છોકરી સાથે વાત કરતો’હતો
નાની-નાની બાબતે આપઘાત કરી લેવા અને તેમાં પણ નાની ઉંમરે જીવન ટૂંકાવી લીધાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આવો જ વધુ એક બનાવ રૈયાધાર બાપાસીતારામ ગૌશાળા પાસે આવેલા ઘરમાં બનવા પામ્યો હતો. અહીં રહેતો 16 વર્ષનો તરુણ તેના ફૈબાની છોકરી સાથે વાત કરતો હોવાની ફુઆને ખબર પડી જતાં ડરને કારણે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
વીર બટુકભાઈ હપવદીયા (ઉ.વ. 16) નામના તરુણના માતા-પિતા હયાત ન હોય તે ભાઈ-ભાભી સાથે રૈયાધાર, બાપાસીતારામ ગૌશાળા પાસે ઓસ્કાર બિલ્ડિંગ સામે પિતાના ઘરમાં જ રહેતો હતો. દરમિયાન મંગળવારે સવારે 6:45 થી 7 વાગ્યાના અરસામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.
વીર અને તેના ભાઈ-ભાભી અલગ-અલગ રૂમમાં સૂતા હતા. ભાઈ-ભાભી જ્યારે જાગીને વીરનો રૂમ ખખડાવ્યો તો ન ખોલતાં દરવાજો તોડીને અંદર જોયું તો વીર રૂમમાં મુકેલા પાઈપ સાથે લટકેલી હાલતમાં જોવા મળતાં તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે પીએસઆઈ ડી.બી.કારેથાએ જણાવ્યું કે વીર તેના ભાઈ-ભાભી સાથે ફૂટ અને શાકભાજી વેચવાનું કામ કરતો હતો. તે ઘણા સમયથી તેના ફૈબાની છોકરી સાથે ફોન ઉપર તેમજ રૂબરૂ વાતચીત કરતો હોય તે અંગેની જાણ ફુઆને થઈ જતાં ફુઆ ઠપકો આપશે તેવા ડરથી તેણે આ પગલું ભરી લીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
ગોંડલ રોડ પર વણિક વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું
આપઘાતનો વધુ એક બનાવ ગોંડલ રોડ પર ડી-માર્ટ પાછળ આવેલા રામનગરમાં બન્યો હતો. અહીં રહેતાં ૫૫ વર્ષીય રાજેશ નાથાલાલ રૂપાણી નામના વણિક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લેતાં મોતને ભેટ્યા હતા. તપાસમાં ખુલ્યા પ્રમાણે રાજેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ઘણા લાંબા સમયથી માનસિક બીમારીનો સામનો કરી રહ્યા હોય તેનાથી કંટાળીને આ પગલું ભરી લીધું હતું.