ઈલેક્ટોરલ બોન્ડ દ્વારાભાજપને ગત લોકસભાની ચૂંટણી પહેલા આટલા કરોડનું દાન મળ્યું હતું
2022 માં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપની તિજોરી 1763.44 કરોડના દાનથી છલકાઈ ગઈ હતી
સુપ્રીમ કોર્ટે ફટકાર લગાડ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બોર્ડના નંબર સાથે આપેલી વિગતો ચૂંટણી પંચે જાહેર કર્યા બાદ કોણે ક્યા રાજકીય પક્ષને કેટલું દાન આપ્યું તેની વિગતો બહાર આવવા લાગી છે. ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતો અનુસાર 12 એપ્રિલ 2019 થી 24 જાન્યુઆરી 2024 સુધીમાં ભાજપને કુલ 6, 060.5 કરોડનું દાન મળ્યું હતું. જોકે 2018 થી 12 એપ્રિલ 2019 સુધીના દાન ની ગણતરી કરવામાં આવે તો ભાજપને કુલ 8251.8 કરોડ મળ્યા છે.
ભાજપને સૌથી વધારે દાન તેલંગણામાં મુખ્ય મથક ધરાવતી મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આપવામાં આવ્યું હતું. એ કંપનીએ કુલ ૯૬૬ કરોડમાં બોન્ડ ખરીદ્યા હતા તેમાંથી 519 કરોડના બોન્ડ ભાજપે વટાવ્યા છે. એ કંપનીની બીજી એક પેટા કંપની વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન એ પણ ભાજપને 80 કરોડનું દાન આપ્યું છે. નોંધનીય છે કે મેઘા એન્જિનિયરિંગ tv9 નેટવર્ક માં મોટો હિસ્સો ધરાવે છે.
રિલાયન્સ ગ્રુપ સાથે તાણાવાળા ધરાવતી કંપની ક્વીક સપ્લાય દ્વારા પણ ભાજપને 375 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
કોલકત્તામાં મુખ્ય મથક ધરાવતા ઉદ્યોગપતિ એમ. કે. જાલન, તેમની મદનલાલ લિમિટેડ, કેવેન્ટર્સ ફુડ પાર્ક, એમકેજે એન્ટરપ્રાઇઝ અને શામલાલ ગ્રુપ દ્વારા પણ ભાજપને 339.42 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. જોકે ચૂંટણી પંચે વિગતો જાહેર કરી દીધા પછી પણ ભાજપે વટાવેલા 466.31 કરોડના બોન્ડના નંબર મેચ ન થતા હોવાનું ખૂલ્યું છે.
કયા વર્ષમાં ભાજપને કેટલું દાન મળ્યું?
2019: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે 1505.4 કરોડના બોન્ડ વટાવ્યા હતા. એ ફેઝમાં મદનલાલ લિમિટેડે 175.5 કરોડ, કેવેન્ટર ફૂડ પાર્ક ઇન્ફ્રા લિમિટેડે 144.5 કરોડ અને મેઘા એન્જિનિયરિંગ એ 125 કરોડનું ભાજપને દાન આપ્યું હતું. 2019 ના મે મહિનામાં પણ જાલન ગ્રુપ સાથે સંકળાયેલ એમકેજે ગ્રુપ દ્વારા ભાજપને 14.42 કરોડ આપવામાં આવ્યા હતા.
2020: આ વર્ષમાં ભાજપને સૌથી ઓછું એટલે કે 73.89 કરોડનું દાન મળ્યું હતું. એપકો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, ઈનફીના ફાયનાન્સ અને રાજકુમાર શર્મા નામની વ્યક્તિએ 10 10 કરોડના દાન આપ્યા હતા.
2021: 2021 માં ભાજપે 372 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ વટાવ્યા હતા. એ વર્ષમાં લોટરી સાથે સંકળાયેલ ફ્યુચર ગેમિંગ દ્વારા ભાજપને 50 કરોડ, હલદીયા એન્જિનિયરિંગ દ્વારા 35 કરોડ અને મેઘા એન્જિનિયરિંગ દ્વારા 33 કરોડનું દાન મળ્યું હતું.
2023: ભાજપને કુલ દાન 1676.3 કરોડનું મળ્યું. તેમાં મેઘા એન્જિનિયરિંગના 297 કરોડ, ભારતી એરટેલ ના 93 કરોડ અને મેગા એન્જિનિયરિંગની જ પેટા કંપની વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશનના 80 કરોડનો સમાવેશ થાય છે.
2024: સુપ્રીમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પરનો ચુકાદો અનામત રાખ્યો હતો તે પછી પણ જાન્યુઆરી મહિનામાં ભાજપે 202 કરોડના બોન્ડ એનકેશ કર્યા હતા. 2024ના જાન્યુઆરીના એ ફેઝ માં ભાજપને મુખ્યત્વે ભારતી એરટેલ તરફથી 50 કરોડ, કોલકત્તા સ્થિત રુંગટા એન્ડ સન્સ તરફથી 50 કરોડ અને ટોરેન્ટ પાવર તરફથી 25 કરોડ મળ્યા હતા.
ભાજપને સૌથી વધારે દાન 2022 માં મળ્યું
વર્ષ 2022માં ગોવા,ઉત્તરાખંડ,પંજાબ, મણીપુર,ઉત્તર પ્રદેશ,હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે પહેલા ભાજપને 1763.54 કરોડનું દાન મળ્યું હતું. કોઈ એક વર્ષમાં મળેલી એ સૌથી મોટી રકમ હતી. ભાજપને ક્વિક સપ્લાય તરફથી એ ફેઝમાં 325 કરોડ, વેદાંતા તરફથી 176.5 કરોડ અને મેઘા એન્જિનિયરિંગ તરફથી 129 કરોડ મળ્યા હતા.