પશ્ચિમ બંગાળના હાવડા નજીક લાલપુર રેલવે સ્ટેશન પર શનિવારે સવારે 5:30 વાગ્યે હાવડા અને હૈદરાબાદ વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેન સિકંદરાબાદ શાલીમાર એક્સપ્રેસ ના ત્રણ કોચ ખડી પડ્યા હતા. મુખ્ય રેલવે ટ્રેક પરથી સાઈડના ટ્રેક પર જતી વેળાએ થયેલી આ દુર્ઘટનામાં બે એસી કોચ અને એક પાર્સલવાન ખડી પડ્યા હોવાનું રેલવે સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું.
સદભાગ્યે કોઈને ગંભીર ઈજા ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. બનાવ બાદ નજીકના રેલ્વે સ્ટેશન ઉપરથી રીલીફ ટ્રેન અને મેડિકલ સહાય પહોંચતી કરવામાં આવી હતી. બનાવને કારણે થોડી વાર માટે આ ટ્રેક ઉપર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અટવાઈ ગયેલા મુસાફરોને કલકત્તા પહોંચાડવા માટે રેલવે તંત્ર દ્વારા 20 થી વધુ બસો રવાના કરવામાં આવી હતી. નોંધનીય છે કે સબ સલામતના રેલવે તંત્રના દાવા વચ્ચે પાટા પરથી ટ્રેનો ખડી પડવાના બનાવ રોજિંદા બની ગયા છે. સતાવાર આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા 200 રેલ અકસ્માતમાં 351 લોકોના મૃત્યુ થયા છે અને 970 યાત્રાળુઓ ઘાયલ થયા છે.