નકલી આધાર કાર્ડ બતાવીને સંસદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ
દેશની સંસદની સુરક્ષાને ફરી એકવાર સવાલો ઉભા થયાં છે કારણ કે ત્રણ લોકોએ નકલી કાર્ડના આધારે સંસદ ભવનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.આ ત્રણેય શ્રમિકો એક જ આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાસિમ, મોનિસ અને શોએબ નામના ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
સંસદ ભવનમાં તેઓ નકલી આધાર કાર્ડ બતાવીને પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સંસદની સુરક્ષા માટે તૈનાત CISFએ ત્રણેયને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ નક્સલવાદી કે આતંકવાદી કે કોઈ શંકાસ્પદ મામલો સામે આવ્યો નથી.
ત્રણેય મજૂરોને ડીવી પ્રોજેક્ટ્સ કંપનીએ કામે રાખ્યા હતા. સાંસદોને આરામ કરવા માટે બનાવવામાં આવેલા એમપી લોન્જ એરિયામાં કામ કરવાની જવાબદારી આ મજૂરો પર હતી. ત્રણેયને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, તેમની પાસેથી મળી આવેલ આધાર કાર્ડને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, સંસદ ભવનના પ્રવેશદ્વાર પર સુરક્ષા અને ઓળખ કાર્ડની તપાસ દરમિયાન CISFના જવાનોએ આ ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા હતા.ત્રણેયની ધરપકડ કર્યા બાદ તેમને દિલ્હી પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. હાલ દિલ્હી પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.