અમેરિકાના હજારો સરકારીઓને થશે લાભ : ટ્રમ્પ-મસ્કને ઝાટકો : અદાલતે સામૂહિક છટણી રોક પર લગાવી
સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક ના આયોજનને મોટો ઝાટકો લાગ્યો છે. સન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ આલસુપે સરકારની આ કામગીરીને ગેરકાયદેસર ગણાવી અને તેના પર રોક લગાવી દીધી હતી અને સાથે જ છટણીના તમામ હુકમો રદ કરવાનો આદેશ આપ્યો હતો. બધા પ્રોબેશનરી કર્મચારીઓને કાઢી મૂકવાની એજન્સીની સત્તા ને પડકારતી અનેક યુનિયનો અને વકીલોની અરજીના સંદર્ભમાં અદાલતે આ ચુકાદો આપ્યો હતો.
ન્યાયાધીશ એ સરકારની આ કામગીરીની કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે બ્રહ્માંડના ઇતિહાસમાં કોઈપણ કાયદામાં ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટને કર્મચારીઓને નોકરીએ રાખવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની સત્તા નથી આપવામાં આવી.
આ કામ કરવાની સત્તા કોંગ્રેસે જે તે એજન્સીઓને આપી છે. તેમણે કહ્યું જે રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સને તેમના વિભાગમાં નોકરીએ રાખવાની અને નોકરીમાંથી કાઢી મૂકવાની સત્તા કાયદેસર રીતે મળે છે તે જ રીતે એ સત્તા જે તે એજન્સીઓને છે.
અદાલતના આદેશને પગલે સરકારી કર્મચારીઓની સામુહિક છટણી કરી અને સરકારી ખર્ચ ઘટાડવાના મસ્કના મહત્વકાંક્ષી આયોજન ઉપર હાલ પૂરતી તો બ્રેક લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટી તંત્રએ કરેલા અનેક આદેશોને અદાલતોમાં પડકારવામાં આવ્યા છે. આ અગાઉ જન્મ આધારિત નાગરિકત્વ રદ કરવાના ટ્રમ્પના આદેશ ઉપર પણ વેસ્ટ કોસ્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ રોક લગાવી ચૂકી છે. અને હવે સામુહિક છટણી કાર્યક્રમ પણ ખોરંભે પડી ગયો છે.