આ વર્ષે ગરમી ભુક્કા બોલાવશે પણ ચોમાસું કેવું રહેશે વાંચો
અલ નીનોની અસર મે-જુન સુધીમાં સમાપ્ત થવાની ધારણા: હવામાન વિભાગની આગાહી
ક્લાઈમેટ ચેન્જની અસર ઘણા સમયથી વિશ્વભરમાં જોવા મળી રહી છે અને ઋતુની સાયકલ પણ ફરી ગઈ હોય તેવું લાગી રહ્યુ છે. ભારતના હવામાનને લઈને નિષ્ણાતોએ એવી આગાહી કરી છે કે, આ વરસે ભારતમાં ગરમી ભુક્કા બોલાવશે પણ ચોમાસું પાછલા વર્ષ કરતા સારું રહેશે.
તેમના મતે અલ નીનો ઈફેક્ટના કારણે વસંતઋતુથી ગરમીનું મોજું જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, એપ્રિલ અને જૂન વચ્ચે ENSO (અલ નિનો અને સધર્ન ઓસિલેશન) ધીમી પડે તેવી 73 ટકા શક્યતા છે. તેની તટસ્થતાને કારણે, જુલાઈ-સપ્ટેમ્બરની આસપાસ લા નીનાની સ્થિતિ વિકસિત થવાની ધારણા છે. જેના કારણે સારા ચોમાસાની શક્યતાઓ છે.
અલ નીનોની અસરને કારણે ભારતમાં વધુ ગરમી અને નબળું ચોમાસું જોવા મળે છે. તે જ સમયે, લા નીના મજબૂત ચોમાસા તરફ દોરી જાય છે, સરેરાશથી વધુ વરસાદ અને શિયાળાને અસર કરે છે.
ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટ વેધરએ જણાવ્યું હતું કે હાલમાં સમુદ્ર અને વાતાવરણની સ્થિતિ અલ નીનો ઘટનાને અનુરૂપ છે. પરંતુ એ પણ સંભવ છે કે વાતાવરણ સૂચક ધારણા કરતા વધુ ઝડપી દરે નબળું પડી રહ્યું છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે, સંભવિત ENSO અનુમાન કંઈક અંશે અસામાન્ય પેટર્ન દર્શાવે છે.
2024ની શરૂઆતમાં અલ નીનો મજબૂત રીતે વિકસિત થાય છે અને મે-જૂન સુધીમાં સમાપ્ત થવાની ધારણા છે. આ પછી, તે ફરીથી અચાનક વધશે અને વર્ષના અંત સુધીમાં લા નીનાની રચનાનો સંકેત આપી રહ્યો છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે, 2015નો અંત પણ મજબૂત અલ નીનો ઘટના સાથે થયો હતો અને 2016માં ભારે ગરમી જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનોની સ્થિતિ જૂન સુધી ન્યુટ્રલ (ધીમી) રહેશે, પરંતુ તે પહેલા ઉનાળામાં તેની અસર વધુ જોવા મળશે. જોકે, ચોમાસું ગત વર્ષ કરતાં સામાન્ય અને સારું રહેવાની ધારણા છે. સ્કાયમેટ વેધરના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે જણાવ્યું હતું કે આ વર્ષે ગરમી ખૂબ જ વધુ રહેશે અને તેની અસર પણ તીવ્ર રહેશે. ENSO જૂન મહિનામાં જ તટસ્થ થવાની ધારણા છે. કેટલાક મોડલ સપ્ટેમ્બરની આસપાસ લા નીનાના વિકાસનો સંકેત આપે છે. તેનાથી ચોમાસામાં મદદ મળશે. તેથી આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે.
વિજ્ઞાનીઓના મતે, અતિશય ગરમી પાછળનું બીજું કારણ ઊંચાઈવાળા વિસ્તારોમાં ખૂબ ઓછો બરફ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી સક્રિય છે, જેણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ અને હિમવર્ષા લાવવામાં મદદ કરી છે. જો કે તેનું સ્તર બહુ ઊંચું ન હતું. હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના પર્વતોમાં તાપમાન ઘટાડવામાં મદદ મળી છે, જેની અસર મેદાનો પર પણ ફેબ્રુઆરીના મધ્યમાં જોવા મળશે.