જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો આ છેલ્લી ચૂંટણી : મુકુલ વાસનિક
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અમદાવાદની મુલાકાતે : રાજકોટ સહિત ચાર ઉમેદવારના નામ જાહેર કરવા ઉપર મંથન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજયસભાના સાંસદ મુકુલ વાસનિકે આજે કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી અને ભાજપ ફરી સત્તામાં આવશે તો સંભવ આ છેલ્લી ચૂંટણી હશે. દેશમાં તેઓ કોઈ ચૂંટણી જ નહી થવા દે. તેઓ આજે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રેણીબધ્ધ બેઠકો કરી છે.
આજે તેમની હાજરીમાં રાજયની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામો નકકી કરવા મનોમંથન કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને રાજકોટની બેઠક ઉપર પ્રદેશ અગ્રણી પરેશ ધાનાણીને ઉતારવા અંગે પણ ચર્ચા થઇ હતી.
ભાજપ સામે મોટું નિવેદન આપતા તેમણે કહ્યું કે, જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચુટંણી છે. ભાજપના શાસનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સાથે અન્યાય થયો છે. ભાજપના શાસનમાં ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપ ફરી સત્તા પર આવશે તો હવે ચૂંટણી નહીં થાય. આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે.
મુકુલ વાસનિકે કહ્યું કે, ચુટંણીની જાહેરાત પહેલાં જ દેશમાં બદલાવનુ વાતાવરણ જોવા મળ્યું છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતના જ એક નેતાએ મહત્વ પુર્ણ જવાબદારી સ્વીકારી હતી. સમાજના દરેક વર્ગને લોભામણા વચનો આપ્યા હતા. આજે ૧૦ વર્ષના અંતે વચનોને પુર્ણ કરવા કોઇ પ્રમાણીક પ્રયત્ન થયો નથી. યુવાનો, વેપારીઓ, ખેડૂતો અને મહિલાઓ સાથે અન્યાય થયો છે. અનેક ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગ વંચિત વર્ગ પરેશાન વર્ગને પડતો મુકવામાં આવ્યો છે. સરકારના ૧૦ વર્ષ અંધકાર, અરાજકતા અન્યાય અને નફરત ફેલાવાઈ રહી છે. ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે. તેની સામે અનેક મુશ્કેલીઓ છે, બંધારણને બચાવવા માટેની આ ચૂંટણી છે.