ઈન્ડિગોની ફ્લાઈટમાં માત્ર 6 પેસેન્જર થતાં બધાને નીચે ઉતારી મુકાયા
-બેંગલુરુથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બની ઘટના
-ગ્રાઉન્ડ સ્ટાફે બીજા વિમાનમાં બેસાડવાની વાત કરીને પછી કોઈ સુવિધા ન આપી
ભારતમાં એર ટ્રાવેલિંગનો જોરદાર ગ્રોથ થયો છે, પરંતુ કેટલીક વખત એરલાઈન્સ વિમાન પ્રવાસીઓની સાથે એટલો ખરાબ વ્યવહાર કરે છે કે તેઓ કડવા અનુભવને ભૂલી શકતા નથી. તાજેતરમાં ઈન્ડિગો એરલાઈનની એક ફ્લાઈટમાં માત્ર 6 પેસેન્જર હોવાના કારણે એરલાઈનને ઉડાન ભરવાની ઈચ્છા ન હતી. ઈન્ડિગોના સ્ટાફે આ છ પ્રવાસીઓને બીજા વિમાનમાં બેસાડવાની વાત કરીને ફ્લાઈટમાંથી ઉતારી મૂક્યા અને પછી રઝળાવી દીધા. આ પ્રવાસીઓ હવે એરલાઈન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.
આ ઘટના રવિવારે બેંગલુરુથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બની હતી. વિમાનમાં માત્ર 6 પેસેન્જર હોવાના કારણે એરલાઈનને આ ઉડાન મોંઘી પડે તેમ હતી. તેથી એરલાઈનના ગ્રાઉન્ડ સ્ટાફે પ્રવાસીઓને જણાવ્યું કે અમે તમને તાત્કાલિક ઉડી રહેલા બીજા વિમાનમાં બેસાડવાના છીએ. આમ કહીને તેમને સમજાવીને વિમાનમાંથી ઉતારી દીધા. ત્યાર પછી તે રાતે તેમને કોઈ વિમાનમાં બેસાડવામાં જ ન આવ્યા. તેમણે આખી રાત બેંગલોરમાં ગાળવી પડી. છેક બીજા દિવસે સવારે તેમને ચેન્નઈની ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા.
મહત્ત્વની વાત એ છે કે આ ફ્લાઈટમાં 6 પેસેન્જરમાંથી બે તો સિનિયર સિટિઝન હતા. ઈન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને વચન આપ્યું કે ટૂંક સમયમાં જઈ રહેલી બીજી ફ્લાઈટમાં તમને બેસાડવામાં આવશે. પ્રવાસીઓને નીચે ઉતર્યા પછી ખબર પડી કે તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે અને એરલાઈને ખર્ચ બચાવવા માટે તેમની ફ્લાઈટ જ રદ કરી નાખી છે.
આ પ્રવાસીઓ માટે ઈન્ડિગો એરલાઈને એરપોર્ટ પર રહેઠાણની પણ કોઈ વ્યવસ્થા કરી ન હતી. તેથી પ્રવાસીઓએ પોતાના ખર્ચે રોકાણ કરવું પડ્યું હતું.
ઈન્ડિગો એરલાઈનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવી ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે બે પ્રવાસીઓને એરપોર્ટથી 13 કિમીની અંદર એક હોટેલમાં રોકાણ અપાયું હતું જ્યારે બાકીના પ્રવાસીઓએ એરપોર્ટની લાઉન્જમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. રવિવારે રાતે આ ઘટના બન્યા પછી સોમવારે પ્રવાસીઓ ચેન્નાઈ જઈ શક્યા હતા.
તમામ છ પેસેન્જરોએ ઈન્ડિગોને ફરિયાદ કરી તો પણ તેમને કોઈ સહાય મળી ન હતી. ઈન્ડિગોના આસિસ્ટન્ટ મેનેજરે પણ ગોળ ગોળ વાત કરી હતી. છેલ્લે તેમણે પોતાની ભૂલ તો સ્વીકારી પરંતુ એરપોર્ટની હોટેલમાં રોકાણ આપ્યું ન હતું.
