‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
વિજય દેવેરકોંડા અને રશ્મિકા મંદાના પોતાની લગ્નવિધિ માટે ઉદયપુર પહોંચી ગયા છે. લગ્નની સત્તાવાર જાહેરાત બાદ કપલ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યું. એરપોર્ટ પર બંને ખૂબ ખુશ નજર આવ્યા. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ તસવીરોમાં રશ્મિકા અને વિજય ઉદયપુર એરપોર્ટ બહાર નીકળતા દેખાય છે. રશ્મિકાએ સ્મિત સાથે હાથ જોડીને પેપ્સને અભિવાદન કર્યું.

રવિવારે કપલે ફેન્સ માટે એક વ્યક્તિગત નોંધ શેર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમની લગ્નવિધિને સત્તાવાર રીતે ધ વેડિગ ઓફ વિરોશ નામ આપવામાં આવ્યું છે. આ નામ તેમને તેમના ચાહકોએ પ્રેમથી આપ્યું છે. 26 ફેબ્રુઆરીના લગ્ન પહેલાં ઉજવણી શરૂ કરવા કપલ ઉદયપુર પહોંચ્યું છે.

લગ્ન સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો જ હાજર રહેશે. ઉદયપુરમાં લગ્ન બાદ 4 માર્ચ, 2026ના રોજ હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાય તેવી શક્યતા છે. માહિતી મુજબ આ કાર્યક્રમ તાજ કૃષ્ણામાં યોજાઈ શકે છે, જેમાં ટોલીવુડ અને બોલીવુડના અનેક સ્ટાર્સ હાજરી આપે તેવી સંભાવના છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ ઉપસ્થિત રહે તેવી ચર્ચા છે.
