સેકસ સ્કેન્ડલ : પ્રજ્વલ રેવન્ન સામે બ્લૂ કોર્નર નોટિસ
સીબીઆઈનું મોટું પગલું , ઘણા દિવસોથી ફરાર છે આરોપી
યૌન શોષણના આરોપોમાં ફસાયેલા કર્ણાટકની હસન લોકસભા સીટના પૂર્વ જેડીએસ નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે આ મામલામાં પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરએ આ માહિતી આપી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરને ટાંકીને કહ્યું કે, જાતીય સતામણીના કેસનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પણ બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે.
રેવન્ના પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ
સાંસદ પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલાને લગતો વીડિયો સામે આવ્યા બાદ જ આ વાત સ્પષ્ટ થઈ ગઈ. જો કે, કર્ણાટક સરકારે આ મામલામાં એસઆઈટીની રચના કરી અને પ્રજ્વલ રેવન્ના સામે કાર્યવાહી શરૂ કરી, પરંતુ તે એસઆઈટી દ્વારા પકડાઈ શક્યો નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રજ્વલ રેવન્ના યૌન શોષણના આરોપ પછી જર્મની ભાગી ગયો હતો.
