યુક્રેન અને ઇઝરાયેલના યુદ્ધોને કારણે થઇ રહ્યો છે લેટેસ્ટ મીલીટરી ટેકનોલોજીનો નવો અવતાર, વાંચો વિશેષ અહેવાલ
આધુનિક યુદ્ધો હવે માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા કે દુશ્મન દેશની જમીન પચાવી પાડવા માટે નથી ખેલાતા. યુક્રેન અને ગાઝા જેવા સંઘર્ષો નવી સૈન્ય તકનીકોના પરીક્ષણ માટે, યુદ્ધો લડવાની રીતને બદલવા અને યુદ્ધના ભાવિને આકાર આપવા માટે પ્લેટફોર્મ બની ગયા છે. યુદ્ધમેદાન હવે મીલીટરીની નવી ટેકનોલોજીને અજમાવવા માટેની લેબોરેટરી બની ગયા છે.
યુદ્ધનો બદલાતો ચહેરો
આજે યુદ્ધ બહુપરીમાણીય છે. હવેના યુદ્ધમાં વ્યૂહરચના, ટેકનોલોજી અને કોમ્યુનીકેશનની આધુનિક પદ્ધતિઓ સામેલ છે. પરંપરાગત મોટા પાયે થતા યુદ્ધોએ અસમપ્રમાણ રીતે સંઘર્ષોને માર્ગ આપ્યો છે, જ્યાં નબળા હરીફો વધુ શક્તિશાળી દુશ્મનો સામે બિનપરંપરાગત યુક્તિઓનો ઉપયોગ કરે છે. આવા યુદ્ધોમાં અગ્રણી રાષ્ટ્રો માત્ર રાજકીય ધ્યેયો પર જ નહીં પરંતુ ટેક્નોલોજીના પરીક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. રશિયા અને ઇઝરાયેલ પોતાના અવનવા શસ્ત્રોનો પ્રયોગ દુશ્મન વિસ્તારમાં કરે છે. જેમ કે, ઇઝરાયેલનો લેબેનોનના એક સમુદાય ઉપરનો પેજર હુમલો.
રશિયા-યુક્રેન યુદ્ધ
2022 માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે વિશ્વએ જોયું કે કેવી રીતે યુક્રેન, મર્યાદિત સંસાધનો સાથે, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રશિયા જેવી મહ્સત્તાને ટક્કર આપે છે. યુદ્ધ નિષ્ણાતોએ રશિયા-યુક્રેનના ચાલી રહેલા યુદ્ધમાંથી અમુક મુદ્દાઓ તારવ્યા:
- સ્માર્ટ ટેક્નોલોજી: યુક્રેનિયન સોફ્ટવેર નિષ્ણાતોએ રશિયન ડીવાઈસને હેક કર્યા. યુક્રેનના સૈનિકોએ GPSનો ઉપયોગ કરીને દુશ્મનની સ્થિતિ શોધીને સરપ્રાઈઝ હુમલો કર્યો.
- ડ્રોન્સ: નાના ડ્રોને ગ્રેનેડ છોડ્યા, ને મોટા ડ્રોને મોટા બોમ્બ. જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું.
- *3D પ્રિન્ટિંગ: સૈનિકોએ સ્પેરપાર્ટ્સ બનાવવા માટે *3D પ્રિન્ટરનો ઉપયોગ કર્યો હતો. આ તકનીકને કારણે ઝડપી રીપેરીંગ પણ થાય અને સ્પીડમાં ઉત્પાદન પણ થાય.
- નવીન વાહનો: રેગ્યુલર પીકઅપ ટ્રકોને મોબાઈલ મિસાઈલ લોન્ચરમાં ફેરવવામાં આવ્યા.
યુક્રેને તે પણ દર્શાવ્યું કે કેવી રીતે હાલના હથિયારોનો સર્જનાત્મક (એટલે કે યુદ્ધ માટે વિનાશક) ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, અમેરિકન HIMARS રોકેટ સિસ્ટમ્સ રશિયન લશ્કરની ગતિને રોકવા માટે નિર્ણાયક હતા, જ્યારે રશિયાના ઈરાન દ્વારા પૂરા પાડવામાં આવેલ ડ્રોન્સ અસરકારક રીતે યુક્રેનના પાવર ગ્રીડને નિશાન બનાવતા હતા. આ વાસ્તવિક સમયના પ્રયોગો અને શસ્ત્ર ઉપયોગો જે તે દેશોને તેમના શસ્ત્રોની શક્તિ અને નબળાઈઓને સમજવામાં મદદ કરે છે.
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં સંશોધન
ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં તો યુદ્ધના નવા પરિમાણો જોવા મળ્યા
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ *(AI):
- ‘લવેન્ડર’ જેવી *AI સિસ્ટમોએ હમાસના સંભવિત લક્ષ્યોને ઓળખ્યા.
- ‘વ્હેર ઈઝ ડેડી?’ આવું ટીખળી નામ પણ એક મિશનને આપવામાં આવ્યું હતું જેનાથી નિર્ધારિત લક્ષ્યોને ટ્રેક કરીને તેની ઉપર સામટો હુમલો કરવામાં આવતો. વિચાર્યું હોય તેનાથી વધુ તારાજી આ શસ્ત્રો કરી આપતા.
- *AI, ‘હબુસોરા’ એ હવાઈ હુમલો કરવા માટે જ્યાં દુશ્મન દેશની લશ્કરની ગતિવિધિઓ ચાલતી હોય ઇમારતોની ઓળખી કાઢી.
- ખર્ચ અસરકારક શસ્ત્રો:
- યુદ્ધમાં મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થતી હોવા છતાં, ખર્ચ ઘટાડવા માટે અનગાઇડેડ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- ‘આયર્ન સ્ટિંગ’ નામની એક પ્રીસીઝન મોર્ટાર છે જે મોટા માળખાનો નાશ કરી શકે છે. ગીચ શહેરોની અંદર યુદ્ધ કરવાનું થાય ત્યારે તે ઉપયોગી શસ્ત્ર છે.
- પ્રોપેગેન્ડા ટુલ્સ: *AI નો ઉપયોગ વૈશ્વિક સ્તરે કોઈ એક ચોક્કસ નેરેટીવ સેટ કરવા અને અફવાઓને કાબુમાં રાખવા માટે પણ કરી શકાય છે.
આધુનિક શસ્ત્રોની વ્યાપક અસરો
આ યુદ્ધો દર્શાવે છે કે કેવી રીતે આધુનિક સંઘર્ષો શસ્ત્રો અને વ્યૂહરચનાઓ માટે લેબોરેટરી તરીકે કામ કરે છે. સીરિયન સંઘર્ષ દરમિયાન, રશિયાએ શસ્ત્રોના વેચાણને વેગ આપવા માટે તેની લશ્કરી તકનીકોનું પ્રદર્શન કર્યું. હવે, યુક્રેન અને ઇઝરાયેલ એ જ કરી રહ્યા છે. ચીન જેવા દેશો આ યુદ્ધોની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે,. ચાઈના સંભવતઃ તાઇવાન સાથે સંભવિત યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું છે.
યુદ્ધો આજે લશ્કરી ટેકનોલોજીને ફરીથી આકાર આપી રહ્યા છે. ડ્રોન અને એઆઈથી લઈને નવા લશ્કરી વાહનો અને રચનાત્મક રણનીતિઓ સુધી, યુદ્ધભૂમિ એક પરીક્ષણ પ્રયોગશાળા બની ગઈ છે. આ સંઘર્ષોમાંથી શીખવા મળતા લેશન ફક્ત યુદ્ધો જીતવાના હેતુના સંદર્ભે જ નથી, પરંતુ ટેક્નોલોજીથી ચાલતા વિશ્વમાં ભાવિ સંઘર્ષો માટે તૈયારી કરવા માટે પણ છે.