સાઉથ કોરિયામાં રોબોટના અકાળ ‘ મોત ‘ ની ઘટનાએ આશ્ચર્ય સર્જ્યું
હજારો લોકોએ તેને આપઘાત ગણાવ્યો
એક આશ્ચર્યજનક ઘટનામાં સાઉથ કોરિયામાં એક રોબોટનું ‘ અકાળે મૃત્યુ ‘ થયું હતું. અનેક લોકોએ કામના વધારા પડતા ભારણને કારણે રોબોટે આત્મહત્યા કરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
વાત એમ છે કે સાઉથ કોરિયાની ગુમી સિટી કાઉન્સિલ ઓફિસમાં રોબોટ સુપરવાઇઝર તરીકે કામ કરતો એક રોબોટ પહેલા અને બીજા માળની સીડી વચ્ચે નિષ્ક્રિય બનીને ઢળી પડ્યો હતો.નજરે જોનારાના જણાવ્યા અનુસાર એ રોબોટે પહેલા એ જાણે કે કંઈક શોધતો હોય એ રીતે ગોળ ગોળ ચક્કર માર્યા હતા અને પછી તે પડી ગયો હતો.
આ ઘટનાએ દેશવ્યાપી ચર્ચા જગાવી છે.આ રોબોટ 2023 થી કાર્યરત હતો અને અત્યંત મહેનતુ હતો. રેસ્ટોરન્ટસ માટે રોબોટિક વેઇટરો બનાવવા માટે પ્રખ્યાત કેલિફોર્નિયાના સ્ટાર્ટઅપ બેર રોબોટિક્સ દ્વારા આ રોબોટ વિકસાવવામાં આવ્યો હતો, જો કે ગૂમી કાઉન્સિલમાં આ રોબોટ એક કરતા વધારે કામ કરતો હતો.તેના નામનું સિવિલ સર્વિસ ઓફિસર કાર્ડ પણ હતું. તે સવારે 9 થી 6:00 વાગ્યા સુધી દસ્તાવેજો અને માહિતીઓ પહોંચાડવા માટે અવિરત પણે એક ફ્લોર થી બીજા ફ્લોર પર આવતો જતો રહેતો. આ કામના ભારણ ને કારણે આ ‘ કરુણ ઘટના ‘ બની હોવાનો અનેક નાગરિકોએ ખેદ પ્રગટ કર્યો હતો અને સંવેદનાભર્યા પ્રત્યાઘાતો આપ્યા હતા.
ગૂમી સિટી કાઉન્સિલે આ ‘ દિવંગત ‘ મિકેનિકલ સાથીદારને બદલવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.નોંધનીય છે કે રોબોટિક ઓટોમેશનમાં સાઉથ કોરિયા સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે. ત્યાં ઔદ્યોગિક એકમોમાં દર 10 કર્મચારી દીઠ એક રોબોટ ફરજ બજાવે છે.સિટી કાઉન્સિલ માં બનેલી આ ઘટના બાદ રોજિંદા કાર્યોમાં રોબોટની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે.