ઈઝરાયેલી આકાશમાં ઇરાની મિસાઈલની વણઝાર : ઇરાને માત્ર એક કલાકમાં 180 મિસાઈલો છોડીએક કરોડ ઈઝરાયેલી નાગરિકો બોંબ શેલ્ટરમાં
ઈરાને મંગળવારે ઇઝરાયેલ ઉપર માત્ર એક કલાકમાં 180 કરતાં વધારે મિસાઈલો છોડતા ઇઝરાયેલમાં અસામાન્ય દ્રશ્યો સર્જાયા હતા. ઇરાને એટલો વ્યાપક હુમલો કર્યો હતો કે મંગળવારે રાત્રે ઇઝરાયેલના વિવિધ વિસ્તારોમાં 1800 કરતાં વધારે વોર્નિંગ સાયરન વગાડવામાં આવ્યા હતા.ઈરાન હુમલાની તૈયારી કરી રહી હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા બાદ ઇઝરાયેલના નાગરિકોને બોમ્બ સેન્ટરમાં આશરો લેવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ જાહેર સ્થળે 30 કરતાં વધારે લોકો અને ખાનગી સ્થળે 300 કરતાં વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સીએનએન ના જણાવ્યા મુજબ મિસાઈલ મારો શરૂ થતા જ એક કરોડ કરતાં વધારે ઇઝરાયેલી નાગરિકોએ બોમ્બ સેન્ટરમાં આશરો લીધો હતો. ઇરાને છોડેલી અનેક મિસાઈલો ઇઝરાયેલના નગરો ઉપર ત્રાટકી હતી પરંતુ સલામતી માટે લીધેલા આ આગોતરા પગલાંને કારણે કોઈ જાનહાની નહોતી થઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે ઈરાનની મિસાઈલો ત્રાટકવાનું શરૂ થયું તેની દોઢ કલાક પછી ઇઝરાયેલી સત્તાવાળાઓએ સબ સલામત ની આલબેલ પોકારીને નાગરિકો ઈચ્છે તો બોમ્બ સેન્ટરમાંથી બહાર આવી શકે છે તેવી સૂચના આપી હતી. સલામતીના પગલાં તરીકે બેન ગુરિઓન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.સાથે જ સમગ્ર ઇઝરાયેલમાં ટ્રેનો રોકી દેવામાં આવી હતી.
- દક્ષિણ લેબનોનમાં બંને સેના સામસામે ઇઝરાયેલના અનેક સૈનિકો ઘાયલ
મંગળવારે ઇરાને ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો તે પછી પણ ઇઝરાયે લે બેનોન ઉપર હુમલા ચાલુ રાખ્યા હતા. દક્ષિણ બૈરુત પર ઇઝરાયેલે નવેસરથી બોંબમારો કર્યો હતો તો ઉત્તર ઇઝરાયેલ ની સરહદ પાસે આવેલા દક્ષિણ લેબનોનના ઓડેઈસેઇ ગામ ઉપર ઇઝરાયેલના જમીનની આક્રમણનો હેઝબોલ્લાહ એ જડબાતોડ જવાબ આપ્યો હતો. ઇઝરાયેલની સેનાના પ્રવક્તાએ એ સ્થળે સુરક્ષા સંબંધીત ગંભીર ઘટના સર્જાઇ હોવાનું સ્વીકાર્યું હતું. મીલીટરી હેલિકોપ્ટર દ્વારા ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલોને ઇમરજન્સી સેવા માટે તૈયાર રહેવાની તાકીદ કરવામાં આવી હતી.
અલ જઝીરાના જણાવ્યા મુજબ ઇઝરાયેલની 20 એમ્બ્યુલન્સ દ્વારા પણ ઘાયલોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. બુધવારે સવારે લેબેનોનમાંથી મોટાપાયે રોકેટ હુમલા થયા હતા.બીજી તરફ ઇઝરાયેલ સેનાના પ્રવક્તા એ દક્ષિણ લેબનોનના 24 ગામડાના લોકોને તેમના ઘર બાર છોડી અને તાત્કાલિક સલામત સ્થળે ચાલ્યા જવા અનુરોધ કર્યો હતો. અરબી ભાષામાં ટ્વીટ કરી એ વિસ્તારમાં અનેક મકાનો હેઝબોલ્લાહના કબજામાં હોવાનું જણાવી ઇઝરાયેલ તેના પર આક્રમણ કરશે તેવી આગોતરી સૂચના આપી હતી. ઇઝરાયેલે મંગળવારે મોડી રાત્રે ગાઝાના ખાન યુનુસ શહેર પર પણ હુમલો કર્યો હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોના મૃત્યુ થયા હતા.
ઈરાનમાં ઉજવણી
ઇરાને કરેલા હુમલા બાદ પાટનગર તહેરાન ઉપરાંત મશાડ, આરક, કવોમ સહિતના શહેરમાં હજારો નાગરિકો મશાલો અને હેઝબોલ્લાહના માર્યા ગયેલા વડા હસન નસરલ્લાહ ની તસવીરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ ઇઝરાયેલ મુર્દાબાદના નારા લગાવી આ હુમલા ને ઈરાનના વિજય તરીકે ગણાવી ઉજવણી કરી હતી. ઈરાનના સર્વોચ્ચ વડા આયાતોલ્લાહ અલ ખેમેઇનીએ કહ્યું કે અલ્લાહ વિજય અપાવે છે અને આપણે વિજયની નજીક છીએ.ગાઝા અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇનના નાગરિકોએ પણ ઇઝરાયેલના હુમલાને વધાવ્યો હતો. વેસ્ટ બેંક નજીક ખાબકેલી ઈરાની મિસાઈલ હાથમાં ઊંચકી લોકોએ નૃત્ય કર્યા હતા. ઇઝરાયેલના આકાશમાં ઉડતી મિસાઈલો ને જોવા હજારો લોકો અગાસીઓ ઉપર એકઠા થઈ ગયા હતા.
- શું કહ્યું બંને દેશના ભારત ખાતેના રાજદૂતોએ
ઇઝરાયેલની ભારત ખાતેની રાજદૂત કચેરીના પ્રવક્તા ગુય નીરે કહ્યું કે આયાતોલ્લાહ અલ ખોમેઇની પૂર્ણ કક્ષાનું યુદ્ધ ઇચ્છતા હશે તો તે તેમની મોટી ભૂલ હશે. ઇઝરાયેલ પૂર્ણ કક્ષાનું યુદ્ધ નહી કરે પણ વ્યુહાત્મક જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે મને લાગે છે કે બે દેશમાંથી કોઈ પૂર્ણ કક્ષાનું યુદ્ધ નથી ઈચ્છતા. બીજી તરફ ભારત ખાતેના ઈરાનના રાજદૂત ઈરાજ એલ્ડ્રીએ દોષનો ટોપલો ઈઝરાયેલ ઉપર ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે જો ઇઝરાયેલ તણાવ ઓછો કરવા માટે પગલા નહીં લે તો તહેરાન ફરી ત્રાટકશે. તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયનો હિટલર નેતન્યાહુ તેની ક્રૂરતા અને દુશ્મનાવટ નહીં છોડે તો તેના દેશે ગંભીર પરિણામ ભોગવવા પડશે.
- હવે યુદ્ધ કોઈ રોકી શકશે નહીં: નિષ્ણાંતોની ચેતવણી
યુએસ સ્થિત થિન્ક ટેન્ક DAWN ના વડા રાઇડર જીરારે કહ્યું કે મધ્ય પૂર્વ હવે પૂર્ણ કક્ષાના યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. અમેરિકા તેની નીતિમા પરિવર્તન લાવી અને ઇઝરાયેલના ગુનાને છાવરવાનું અને ઇઝરાયેલને વધુ શસ્ત્રો અને નાણા આપવાનું બંધ નહીં કરે તો યુદ્ધ અનિવાર્ય છે. મિડલ ઇસ્ટ કાઉન્સિલ ઓફ ગ્લોબલ અફેર્સના રાજકીય વિશ્લેષક ઓમાર રહેમાનના કહેવા મુજબ ઇઝરાયેલ બદલો લેશે તે બાબતે કોઈ શંકા નથી. ઇઝરાયેલ મોટે પાયે વિનાશ સર્જવાની ક્ષમતા ધરાવે છે. તેની ગુપ્તચર સંસ્થાઓના પરાક્રમો જગ જાણીતા છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલે સામેથી જ યુદ્ધને આમંત્રણ આપ્યું છે. ઇરાને યુદ્ધ તાળવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે એવું લાગે છે કે પૂર્ણ કક્ષાનું યુદ્ધ અનિવાર્ય બની ગયું છે.
- મોસાદના હેડ ક્વાર્ટર પર હુમલો પાર્કિંગ પ્લેસમાં વિશાળ ખાડો
ઈરાને તેલ અવીવના ત્રણ લશ્કરી થાણાને નિશાન બનાવ્યા હતા. તેલ અવીવ ખાતે મોસાદના હેડ ક્વાર્ટર ઉપર પણ મિસાઈલ ત્રાટકી હતી.સીએનએન દ્વારા એ સ્થળની વિડીયો અને તસવીરો પ્રસારિત કરવામાં આવી હતી. સીએનએનના ફોટોગ્રાફરે મોસાદમાં હેડક્વાર્ટર થી ત્રણ કિલોમીટર દૂર આવેલા બહુમાળી ઈમારત પરથી ઝડપેલી તસવીરમાં મોસાદના વડા મથકના પાર્કિંગ પ્લેસ માં મોટો ખાડો નજરે પડ્યો હતો. અનેક વાહનો ધૂળ અને માટી થી ઢંકાઈ ગયા હતા.
- ઇઝરાયેલ ના અનેક શહેરોમાં મોટું નુકસાન સ્કૂલ અને મકાનો પર મિસાઈલો ત્રાટકી
ઇરાને છોડેલી મોટાભાગની મિસાઈલોને અધવચ્ચે જ આંતરી લીધી હોવાનો ઇઝરાયેલ અને અમેરિકાએ દાવો કર્યો હતો. અમેરિકાએ ઈરાનના આક્રમણને નિષ્ફળ ગણાવ્યું હતું.બીજી તરફ ઈરાને તેના ૯૦ ટકા કરતાં વધારે મિસાઈલો નિશાન ઉપર ત્રાટકી હોવાનો દાવો કર્યો હતો. આ દાવા અને પ્રતિદાવા વચ્ચે ઇઝરાયેલના અખબાર જેરુસલામ પોસ્ટએ ઈરાનના હુમલામાં ઇઝરાયેલમાં અનેક સ્થળે નોંધપાત્ર નુકસાન થયું હોવાની વિગતો આપી હતી. તેમાં જણાવ્યા મુજબ હોડ હશોરન શહેરમાં સો કરતાં વધારે મકાનોને નુકસાન થયું હતું. નોર્થ તેલ અવીવ માં જ્યોર્જ વાઇઝ સ્ટ્રીટમાં એક ઇમારત ઉપર મિસાઈલ ત્રાટકી હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેલ શોબા નામના નગરમાં પણ એક મકાન મિસાઈલ નો ભોગ બન્યું હતું.ગેડેરીલા નામના શહેરમાં એક શાળા ઉપર મિસાઈલ ત્રાટકતા ભારે નુક્સાન થયું હતું. એ શાળામાં 400 વિદ્યાર્થીઓ ભણે છે.હુમલાની થોડીવાર પહેલા જ
વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા હોવાને કારણે મોટીજાનાની અટકી હતી. એ અહેવાલમાં જણાવ્યા અનુસાર તેલ અવીવ, ડીમોના, નમાટીવ, હોશા,બિરકાંબી અને રિશોન લેગીઓન નગરોમાં મિસાઈલો ખાબકી હતી. દક્ષિણ ઇઝરાયેલ માં ઈરાનના હુમલા ને કારણે ઇલેક્ટ્રિસિટી ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થયું હોવાનું ઇઝરાયેલ ઈલેક્ટ્રીક કંપનીએ જણાવ્યું હતું. આ હુમલા ને કારણે બોની અતિરોડ શહેરમાં રોકેટ બ્લાસ્ટ બાદ વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.