10 કરોડ પાકિસ્તાન મોકલવાના કૌભાંડના તાર મોરબી-લખતર સુધી નીકળ્યા : 6 શખ્સોની ધરપકડ કરતી CID ક્રાઈમ બ્રાન્ચ
સીઆઈડી ક્રાઈમે સુરતમાં દરોડો પાડીને ભારતથી કરોડો રૂપિયા પાકિસ્તાન મોકલવાનું કૌભાંડ પકડી પાડ્યા બાદ તેના તાર સૌરાષ્ટ્રના મોરબી અને લખતર સુધી નીકળતા ત્યાંથી પણ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એકંદરે મોરબી, લખતર અને સુરતની ટોળકી દ્વારા 10 કરોડ જેવી માતબર રકમ ક્રિપ્ટો કરન્સીમાં ક્નવર્ટ કરીને પાકિસ્તાન મોકલવામાં આવી હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું.
સીઆઈડી ક્રાઈમ દ્વારા 10 કરોડ રૂપિયા પાકિસ્તાન મોકલવાના ગુનામાં સુરતના ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી હતી. ચેતનની પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે તેની સાથે અન્ય લોકો પણ સામેલ હોય પોલીસ દ્વારા તમામની શોધખોળ શરૂ કરી એક બાદ એક પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે મોરબીના મહેન્દ્ર સોલંકી, રૂપેન ભાટિયા, સુરેન્દ્રનગરના લખતરના રાકેશ લાણીયા અને રાકેશ દેલવાડિયા ઉપરાંત સુરતના વિજય ખાંભલિયા અને પંકજ કથિરીયાને પકડી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યા પ્રમાણે આ ટોળકી દ્વારા લખતર એપીએમસી માર્કેટમાં શિવમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં પહેલીવાર એક સાથે 17 સામે ગુજસીટોકનું હથિયાર : ACP બી.બી.બસીયાને ગુજસીટોકની તપાસ છઠ્ઠી સોંપાઈ
આ ટોળકી 100થી વધુ મ્યુલ એકાઉન્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એકાઉન્ટસ સામે સાયબર ફ્રોડના 386 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું. કૌભાંડના પૈસાથી મોરબીમાં સ્પા શરૂ કરવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું હતું.મોરબી, લખતર ઉપરાંત સાવરકુંડલામાં ખુલેલા એકાઉન્ટનો પણ કૌભાંડમાં ઉપયોગ થયો હતો.
