રાજકોટ
રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા સમાહર્તા પ્રભવ જોષીના હસ્તે રાજકોટ જિલ્લાની ઐતિહાસિક વિરાસત દરબારગઢના પુનઃ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આપણા ઐતિહાસિક સ્થાપત્ય અને ઇમારતોના પુન:નિર્માણના કાર્યને વેગ આપી સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યા છે.
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું કે, ૩૦૦ વર્ષ જૂની રજવાડા સમયની ઈમારતના પુનઃ નિર્માણ માટે રાજ્યસરકારના પ્રવાસન વિભાગે ૨ કરોડ ૭૭ લાખ મંજૂર કર્યા છે. જે રીતે આ દરબાર ગઢના પુનઃ નિર્માણ માટે સૌએ મહેનત કરી છે તેવી રીતે આ ઇમારત મજબૂત બનાવવામાં પણ સૌએ સહકાર આપી જાગૃત રહેવું જરૂરી છે.
આ પ્રસંગે ક્લેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૬થી સણોસરા ગામના જાગૃત લોકોએ આ ઐતિહાસિક ઈમારતને સંરક્ષિત કરવા માટે રજૂઆત કરી હતી, આજે આ વારસાના પુનરુત્થાનનું કામ શરૂ થાય છે ત્યારે આગળ પણ ગ્રામલોકો તેને સાચવવા માટે જાગૃત રહે તેમજ તેના સંરક્ષણ સમયે સહકાર આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ કાઠીયાવાડ વિસ્તારની વિશિષ્ટતા અને પૌરાણિકતાને યાદ કરતા કહ્યું હતું કે કાઠીયાવાડ વિસ્તાર હિમાલય કરતા પણ જુનો વિસ્તાર છે અહીં દરેક વિસ્તારમાં ઐતિહાસિક વિરાસત જોવા મળે છે ત્યારે તેની સાચવવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે આ ઈમારતના પુનઃસંરક્ષણમાં સૌને ઉત્સાહથી જોડાવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નિશા ચૌધરી, રાજકોટ તાલુકા અગ્રણી જે.કે. પીપળીયા, તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ કાકડીયા, મામલતદાર કે.એચ.મકવાણા, રાજકોટ તાલુકા વિકાસ અધિકારી વી.પી. ચૌહાણ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.