સીએએની જોગવાઈઓ મુસ્લિમ વિરોધીઅને ભારતના બંધારણના ઉલ્લંઘન સમાન
યુએસ કોંગ્રેસની સ્વતંત્ર સંશોધન પાંખ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ દ્વારા કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલ
અહેવાલમાં સીએએના અમલીકરણ અંગે વધુ એક વખત બળાપો કાઢવામાં આવ્યો છે. સીએએની કેટલીક જોગવાઈઓ ભારતના બંધારણની જોગવાઈઓના ઉલ્લંઘન સમાન હોવાનું એહવાલમાં જણાવવામાં આવ્યું છે.
સીએએમાં પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી 2014 પહેલા ભારતમાં સ્થાયી થયેલા હિન્દુ, બૌદ્ધ, શીખ,પારસી અને ખ્રિસ્તી લોકોને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે પણ તેમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા તે ભારતના બંધારણ સાથે સુસંગત ન હોવાનું તેમાં જણાવાયું છે.
અહેવાલમાં જણાવાયું છે કે સીએએનો વિરોધ કરનારા લોકોએ, શાસક ભાજપ પક્ષ હિન્દુ બહુમતીવાદ અને મુસ્લિમ વિરોધી એજન્ડાને અનુસરતો હોવાનો ભય દર્શાવ્યો છે. ભાજપનો એજન્ડા બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક તરીકે ભારતની સ્થિતિને જોખમમાં મૂકતો હોવાની અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના ધોરણો અને જવાબદારીઓનું ઉલ્લંઘન કરતી હોવાની ચેતવણી આપવામાં આવી છે. સીએએ અને એનઆરસી ભારતીય મુસ્લિમોના અધિકારો માટે ખતરા રૂપ હોવાની ચિંતા તેમાં વ્યક્ત કરવામાં આવી છે.
જોકે આ સંસ્થાનો રિપોર્ટ શાસકોને બંધનકર્તા નથી પરંતુ તેના અહેવાલો શાસકોની રણનીતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બાયડેન તંત્ર દ્વારા પણ સીએએ ના અમલીકરણની ટીકા કરવામાં આવી હતી અને ભારતે અમેરિકાની એ ટિપ્પણીઓ બિનજરૂરી અને અસ્વીકાર્ય હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.