હેલ્થ લીકર પરમિટની પ્રોસેસ હવે સરળ બની, વાંચો
નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ચાલી રહેલી કવાયત
તાજેતરમાં જ વધુ રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે. તેવામાં નશાબંધી અને આબકારી ખાતાએ પણ હેલ્થ પરમિટ ધારકોની પેમેન્ટ પ્રોસેસને સરળ બનાવવા માટે એક ડગલું આગળ ભર્યું છે.
હાલના સમયમાં હેલ્થ પરમિટ ધારકો કે જેને ગુજરતમાં દારૂ ખરીદવાનો અને પીવાનો પરવાનો છે તેવા લોકો ને પેમેન્ટ સ્લીપ મેળવવા પ્રોહિબિશન ઓફિસમાં રૂબરૂ જવું પડતું હતું. પરંતુ વિભાગના એક સૂત્ર તરફથી માહિતી મળી છે કે આગામી મહિનાઓમાં આ જૂના જમાનાની પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવશે.
એક અધિકારી પોતાનું નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યુ કે સમગ્ર પરમિટની અરજી અને રિન્યૂ પ્રોસેસને આગામી સમયમાં ઓનલાઈન કરવાની યોજના છે. જેથી કરીને અરજદારોને કચેરી પર રૂબરૂ ધક્કા ખાવાની બિલકુલ જરૂર નહીં પડે અને તેમનો કિંમતી સમય બચશે.
આ સબંધિત વિભાગ હાલ 37 ટકાની ક્ષમતા સાથે કાર્યરત છે અને 63 ટકા કર્મચારીઓની ભરતી માટે સરકારની લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.
સમય જતાં પરમિટ અરજીઓ અને રિન્યુયલના કામનું ભારણ વધશે જેનું સીધું દબાણ આ ઓછા સ્ટાફ પર આવશે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ગુજરાતનાં નાના મોટા શહેરો સાથે ગુજરાતમાં પરમિટ ધારકોની સંખ્યા લગભગ 52,000 જેટલી છે. જેમાં સૌથી વધુ 15,000 પરમિટ સાથે અમદાવાદ જિલ્લો મોખરે છે.
વિભાગના ડિજીટલાઇઝેશન અંગે સત્તાવાર સુત્રોએ કહ્યું કે, એપ્રિલ-જૂન સુધીમાં અરજદારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેમને રૂબરૂ ઓફિસની મુલાકાત ન લેવી પડે. આગામી બજેટ સત્રમાં અમે રાજ્ય સરકારને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવા વિનંતી કરીશું.