વિમાનમાં બોમ્બની અફવા ફેલાવનારને હવે કેટલા વર્ષની સજા થઈ શકે છે ? વાંચો
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી 70થી વધુ ફ્લાઈટોને બોંબથી ઉડાવવાની નનામી ધમકીઓ મળ્યા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી છે તેવી જાણકારી સોમવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ આપી હતી અને કહ્યું હતું કે આવી બોમ્બની અફવા ફેલાવનારને હવે આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવશે. આવા લોકોને નો ફલાય લિસ્ટમાં પણ મૂકવામાં આવશે એટલે કે એમના પર વિમાનની મુસાફરી પર પ્રતિબંધ મુકાશે. આ માટે ભારતીય એરક્રાફ્ટ બિલ 2024 માં ફેરફાર થશે.
એરલાઈન્સ કંપનીઓને અવારનવાર ફેક કૉલ કરીને ધમકી આપનારા બદમાશોને કારણે એવિએશન સેક્ટર હાલ સંકટનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત આવી કરતુતને કારણે અનેક મુસાફરોએ તો હાલાકી ભોગવી જ છે, સાથે સાથે એરલાઈન્સ કંપનીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આવા બદમાશોને જેલમાં ધકેલવા માટે કાયદો લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ફ્લાઈટમાં બોમ્બનો નનામો કોલ અને મેસેજના કારણે મુસાફરો અને એરલાઈન્સ કંપનીઓની સાથે એવિએશન મંત્રાલયની પણ મુશ્કેલી વધારનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આવી ઘટનાને ધ્યાને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યુરોએ જૂના નિયમો પર પુનઃ વિચારણા શરૂ કરી તેમાં નવા નિયમોનો ઉમેરો કરવા પર વિચારણા શરૂ કરી દીધી છે. આમાં ધમકી આપનારાઓ પર ફ્લાઈટમાં પ્રતિબંધ લગાવવાનો નિયમ પણ સામેલ છે.
બોમ્બની ખોટી સૂચના આપનારાઓને પાંચ વર્ષ માટે ‘નો-ફ્લાઈ’ યાદીમાં ધકેલવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ કલમ-1934 હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. વિચારણા મુજબ લોકસભા દ્વારા ઓગસ્ટમાં પસારક કરાયેલ ‘ભારતીય એરક્રાફ્ટ બિલ 2024’માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રખાયો છે. આમ કરવાથી ખોટી ધમકીઓને અટકાવવા મહદઅંશે સફળતા મળી શકે છે.