પાર્સલ તો આવશે જ…રાજકોટમાં ઓનલાઇન પાર્સલની ડિલિવરી મુદ્દે પાડોશીઓ વચ્ચે ડખ્ખો! 12 લોકો સામે નોંધાયો ગુનો
રાજકોટમાં સામાન્ય મુદ્દે મારામારી, ગાળાગાળી સહિતના બનાવો વધી ગયા હોય આવો જ અત્યંત નજીવા કહી શકાય તેવા પ્રશ્ને પાડોશીઓ વચ્ચે ડખ્ખો થઈ જતાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આ અંગે જામનગર રોડ પર નાગેશ્વરમાં એપલ ગ્રીન્સ એપાર્ટમેન્ટમાં રહેતા હિનેશા પ્રવિણભાઈ પંચોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના પત્ની તૃપ્તિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હોય તે પાર્સલ ભૂલથી તેમના ફ્લેટને બદલે સામેના ફ્લેટમાં જતું રહ્યું હતું. આ પછી હિનેશના ઘરની બેલ વગાડી પત્નીને પાર્સલની ડિલિવરી પણ મળી ગઈ હતી.
જો કે આ મુદ્દે સામેના ફ્લેટમાં રહેતા ધવલ દોમડિયાના પત્ની રાજલે ફલેટના વૉટસએપ ગ્રુપમાં પાર્સલની ડિલિવરી બાબતે પત્ની સાથે બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ હિનેશ અને ધવલ વચ્ચે મુલાકાત થઈ હતી. આ વેળાએ હિનેશ સાથે ભાવેશ વાણવી, ધર્મેશ દોશી સહિતના હાજર હતા. આ વેળાએ ધવલ અને ભાવેશ વચ્ચે બોલાચાલી થતાં ભાવેશને કારમાં બેસાડી દીધો હતો. ત્યારે ધવલનો મિત્ર વિશાલ મજેઠિયા, ધવલનો સાળો કિશન પણ ત્યાં આવી ગયો હતો.
થોડીવાર બાદ ભાવેશ કાર લઈને નીકળી જતાં ચારથી પાંચ લોકો હુમલો કરવા માટે તેની પાછળ ગયા હતા. આ પછી ધવલ સહિતનાએ લાકડી લઈને માથાકૂટ કરવા લાગતાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે ધવલ દોમડિયાની પત્ની રાજલે હિનેશ પંચોલી, તેની પત્ની તૃપ્તિ પંચોલી, હિનેશના મિત્ર ધર્મેશ, આસિફ, મેઘરાજ, ભાવેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે હિનેશ પંચોલીના પાર્સલ વારંવાર તેમના ઘેર આવતા હોય ભરબપોરે ડોરબેલ વાગવાથી ડિસ્ટર્બ થવાને કારણે આ મુદ્દાનો ઉકેલ આવવો જોઈએ.
આ બાબતે હિનેશ પંચોલી ઉશ્કેરાયો હતો અને તેણે ઘેર ધસી જઈને ઝઘડો શરૂ કરતાં “પાર્સલ તો આવશે જ’ તેવી ધમકી આપી માથાકૂટ શરૂ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે છ લોકો સામે ગુનો નોંધ્યો હતો.