સરધાર ગામના પૂર્વ સરપંચની હત્યાનો ભેદ ઉકેલાયો : ત્રણ મહિનાથી પત્નીને પજવતાં શેઠને પતિએ જ પતાવી દીધો
રાજકોટની ભાગોળે સરધાર ગામે આવેલી `જામફળીવારી વાડી’માં ગામના પૂર્વ સરપંચ અને વાડીમાલિકની ત્રિકમનો એક ઘા મારી હત્યા નિપજાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાને વાડીમાં જ મજૂર તરીકે કામ કરતાં શખ્સે અંજામ આપ્યો હોવાનું ખુલતાં પોલીસની અલગ-અલગ ટીમે તપાસ શરૂ કરતાં ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મૃતક વાડીમાલિક મજૂરની પત્નીને ત્રણ મહિનાથી પજવી રહ્યો હોય તે જોઈ ન શકવાને લીધે શેઠને પતાવી દીધા હોવાનું સામે આવ્યું હતું.
મૃતક હરેશ સાવલિયા સાથે હત્યાના આરોપી મનોજ તોતારામ પલાસે છ મહિના પહેલાં 33% લેખે વાડીમાં ભાગીયું રાખ્યું હતું મતલબ કે વાડીમાંથી જે પણ ઉપજ આવે તેનું વેચાણ થાય તેમાંથી જેટલી રકમ મળે તેમાંથી 33% ભાગ મનોજને આપવાનું નક્કી કરાયું હતું. વાડીમાં મનોજ, તેની પત્ની, પિતા અને ભાઈ રહેતા હતા અને અહીં જ કામ કરી ગુજરાન ચલાવતા હતા. જો કે છેલ્લા ત્રણેક મહિનાથી વાડીની ઉપજના જે પણ પૈસા આવે તે પૈસા મનોજને આપવાની જગ્યાએ મૃતક હરેશ સાવલિયા તેની પત્નીને આપવાનો આગ્રહ રાખતાં સાથે સાથે મનોજની પત્નીને અલગ-અલગ વાડીએ બોલાવવાનો આગ્રહ રાખતાં મનોજને શંકા ગઈ હતી.
દરમિયાન ત્રણ મહિના દરમિયાન મૃતક હરેશ સાવલિયા પત્નીને પજવી રહ્યાનું અને શરીરસંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાનું જોઈ રહ્યો હતો પરંતુ હરેશ પાસેથી બાકી નીકળતા પૈસા લેવાના હોય કશું બોલી રહ્યો ન્હોતો. પત્ની દ્વારા મનોજને પજવણી અંગે અનેક વખત ફરિયાદ કરાઈ પરંતુ મનોજ કાંઈ જ કરી રહ્યો ન હોય આખરે 20 દિવસ પહેલાં મનોજને મુકીને મધ્યપ્રદેશ ચાલી જતાં ક્રોધે ભરાયેલા મનોજે હરેશ સાવલિયા એકલો મળે એટલે તેનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું હતું. ગત શુક્રવારે મોકો મળી જતાં હરેશ સાવલિયાને ત્રિકમનો એક જ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દઈને મનોજ પહેલાં ચોટિલા અને ત્યાંથી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદથી ઈન્દોરની બસ પકડીને બહેનને ત્યાં છુપાઈ ગયો હતો ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.ડી.ડોડિયા, જયરાજ કોટિલા, રાજેશ જળુ, વિશાલ દવે સહિતની ટીમે દોડી જઈને મનોજ પલાસને પકડી પાડ્યો હતો.
`તારામાં ત્રેવડ જ નથી…’ આ શબ્દો મનોજને હાડોહાડ ખૂંચી ગયા
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં મનોજ પલાસે એવી કબૂલાત આપી હતી કે પત્ની પોતાની પજવણી થઈ રહ્યાની વારંવાર ફરિયાદ કરી રહી હતી પરંતુ દર વખતે હું તેને `આપણે પૈસા લેવાના છે એટલે હમણાં કશું ન બોલાય’ તેવું કહેતો હતો. જો કે હરેશ સાવલિયા દ્વારા છેડતી અને શરીરસંબંધ બાંધવા માટે જબરદસ્તી કરવાનું બંધ જ કરાતું ન હોય કંટાળીને 20 દિવસ પહેલાં પત્ની મનોજને મુકીને ચાલી ગઈ હતી અને જતાં જતાં એમ પણ કહ્યું હતું કે `તારામાં ત્રેવડ જ નથી…’ આ સાંભળીને મનોજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે હત્યાને અંજામ આપ્યો હતો.
