લો બોલો! પુત્ર રડતો હોવાથી માતા તેને તેડી બહાર ગઇ’ને કારીગર 16 કિલો ચાંદી લઇ ફરાર, રાજકોટની ઘટના
રાજકોટમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી આપવાનું કામ કરતા મુળ મહારાષ્ટ્રના દંપતિને દોઢ મહિના પહેલાં નોકરીએ રાખેલા વેલનાથપરાના કારીગરે 16 કિલો ચાંદીનો ધૂંબો મારી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાહુલ ધોંડીરામ સાવંત (ઉ.વ.32)એ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે છેલ્લા છ વર્ષથી ઉપરોક્ત સરમાને પરિવાર સાથે રહે છે અને 12 વર્ષથી રાજકોટમાં ચાંદીકામ કરી રહ્યો છે. રાહુલ અલગ-અલગ ચાંદીની પેઢીઓ પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી આપે છે. દરમિયાન લાતી પ્લોટ શેરી નં.11માં આવેલા દિલીપ હરિભાઈ કાછડીયાના આઈ શ્રી ખોડિયાર સિલ્વર નામની પેઢીમાંથી ત્રણ દિવસ પહેલાં 16802 ગ્રામ કાચુ ચાંદી નાના બાળકોના કડા અને કાસ્ટીંગ લોક બનાવવા માટે લાવ્યો હતો. જો કે રાહુલે દોઢ મહિના પહેલાં વિજય નટુભાઈ નાગાણી (રહે.વેલનાથપરા)ને નોકરીએ રાખ્યો હતો. દિલીપભાઈ પાસેથી ચાંદી લાવ્યા બાદ ઓર્ડર પ્રમાણે રાહુલ, રાહુલની પત્ની અને વિજયે કામ ચાલુ કર્યું હતું. 695 ગ્રામ ચાંદીના કડા બની જતા તે દિલીપ કાછડીયાને આપવા માટે ગયો હતો. અડધી કલાક બાદ રાહુલ પરત આવ્યો ત્યારે પત્નીએ વાત કરી હતી કે તે અને વિજય ચાંદી કામ કરી રહ્યા તે દરમિયાન પુત્ર રડતો હોવાથી તેને તેડીને બહાર નીકળી હતી. આ સમયે વિજય ફટાફટ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો.
આ પણ વાંચો :રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલનો વિજય: વકીલોએ સુમિત વોરાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા
આ વાત સાંભળતા જ રાહુલે ઘરમાં જઈને જોતાં તમામ ચાંદી ગાયબ હતું જે વિજય ચોરી કરીને લઈ ગયો હોવાનું ધ્યાન પર આવતા વિજય સામે 17.60 લાખની કિંમતના 16107 ગ્રામની ચાંદીની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
