ખુદ મુખ્યમંત્રીના નિવાસ્થાન ઉપર પણ હુમલો મુખ્યમંત્રીના જમાઈનું મકાન ટોળાએ સળગાવ્યું
મણીપુરમાં જીબ્રામમાંથી અપહરણ કરાયેલા એક જ પરિવારના આઠ માસના બાળક સહિત છ હતભાગીઓના મૃતદેહો મળ્યા બાદ મણીપુરમાં અતિ સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ પામી છે. શુક્રવારે અને શનિવારે ટોળાંઓ દ્વારા રાજ્યના નેતાઓ અને પ્રધાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
મણીપુર રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ તથા છ ધારાસભ્યોના મકાનોમાં તોડફોડ કરવામાં આવી વાહનો સળગાવી દેવાયા હતા.
મુખ્યમંત્રી બિરેન સિંઘના જમાઈ અને ધારાસભ્ય આરકે ઇમો સિંઘના મકાનમાં પણ ટોળાએ તોડફોડ કરી આગ ચાપી દીધી હતી.શનિવારે તો ખુદ મુખ્યમંત્રી બિરેન સિંઘના નિવાસ્થાન ઉપર પણ જંગી ટોળાંએ હુમલો કર્યો હતો. નિવાસ્થાનમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા લોકોને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
મણિપુરમાં ઉકળતા ચરૂ થઈ સ્થિતિ છે. મેતી અને કૂકી સમુદાયો ફરી એક વખત સામસામે આવી ગયા શનિવારે વધુ બે ચર્ચ અને અનેક મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા.
સાતમી નવેમ્બરે સીઆરપીએફએ કરેલા એન્કાઉન્ટરમાં 11 ઉગ્રવાદીઓના મૃત્યુ થયા બાદ ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. કુકી સમુદાયે માર્યા ગયેલા એ 11 લોકો ઉગ્રવાદી નહીં પરંતુ ગ્રામ્ય સ્વયંસેવકો હતા તેવો દાવો કર્યો હતો. એ ઍનકાઉન્ટર ચાલુ હતો ત્યારે જીબ્રામમાંથી એક જ પરિવારના સાત સભ્યોને કુકી ઉગ્રવાદીઓ બોટમાં ઉઠાવી ગયા હતા. એ બધાના
મૃતદેહો મળી આવ્યા બાદ મામલો અતિ ગંભીર બની ચૂક્યો છે.
છેલ્લા બે દિવસથી ચાલતા હિંસક તોફાનો વચ્ચે
મેઇતી સમુદાયના કેન્દ્રસ્થ સંગઠન કોઓર્ડીનેટિંગ કમિટી ઓન મણીપુર ઇન્ટેગ્રિટી ના પ્રમુખ ખુરાઈજામ ઓથો ઉબાએ ઉગ્રવાદીઓ સામે કડક પગલાં લેવા માટે મણીપુર સરકાર અને કેન્દ્ર સરકારને 24 કલાક નું અલ્ટીમેટમ આપ્યું હતું. 24 કલાક પછી મણીપુરમાં જે કાંઈ બને તે માટે સરકાર જવાબદાર હશે તેવી તેમણે ચેતવણી આપી હતી. કૂકી સમુદાય વિરુદ્ધ સશસ્ત્ર કાર્યવાહી કરવાની મેઈતી સમુદાયે ખુલ્લી ધમકી આપતાં મણીપુરમાં ફરી એક વખત હિંસક અને લોહિયાળ અથડામણો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
AFSPA નો અમલ રદ કરવા માગણી
મણીપુરના કેટલાક વિસ્તારોમાં લશ્કર ને અમર્યાદ સત્તા આપતા આર્મડ ફોર્સ ( સ્પેશિયલ પાવર) એક્ટ ( AFSPA ) લાગુ કરવાના સરકારના નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મેઇતી સમુદાયે એ કાયદાનો અમલ પરત ખેંચવા માગણી કરી છે. પ્રજાનો વિરોધ નિહાળીયા બાદ મણીપુર સરકારે પણ એ અમલ પરત ખેંચવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી હતી.