શરતભંગ કેસમાં જીયાણામાં જમીનને પગ આવી ગયા! 2019માં શરતભંગની દરખાસ્ત કરનાર મામલતદારે 2025માં ક્લિનચીટ આપી દીધી
રાજકોટ તાલુકાના જીયાણા ગામમાં વર્ષ 1971માં સાથણીમા ફાળવવામાં આવેલ કરોડો રૂપિયાની કિંમતી છ એકર જમીન વર્ષ 2002માં જૂની શરતમાં ફેરવવા હુકમ થયા બાદ આ જમીન ચાર-ચાર વખત વેચાણ થઇ ગયા બાદ અચાનક જ 17 વર્ષ બાદ રાજકોટ તાલુકા મામલતદારની તપાસમાં તત્કાલીન સમયે સાથણીની જમીનમાં કબજા ફેરફાર કરવામાં આવ્યો હોવાથી શરતભંગના પગલાં ભરવા દરખાસ્ત કરવામાં આવી હતી. મજાની વાત તો એ છે કે, શારતભંગની દરખાસ્ત પેન્ડિંગ હોવા છતાં આ જમીન ફરી ત્રણ -ત્રણ વખત વેચાઈ ગયા બાદ વર્તમાન રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા આ જમીનમાં કોઈ જ કબ્જાફેર ન હોવાનો રિપોર્ટ કરવામાં આવતા આશ્ચર્યજનક રીતે શરતભંગ કેસ રજીસ્ટરેથી કમી કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના જીયાણા ગામે રેવન્યુ સર્વે નંબર 361 પૈકીની છ એકર જમીન વર્ષ 1970માં દેવાભાઇ વીરાભાઇ નામના અસામીને નવી અને અવિભાજ્ય શરતે ફાળવવામાં આવ્યા બાદ 1971માં હક્કપત્રકે નોંધ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2002માં આ જમીન જૂની શરતમાં ફેરવવા હુકમ કરવામાં આવતા પ્રાંત કચેરી દ્વારા જૂની શરતના રીવ્યુ કરવામાં આવ્યો હતો. જમીન જૂની શરતમાં ફર્યા બાદ આ જમીન ચાર વખત અલગ-અલગ અસામીઓને વેચાણ કરી નાખવામાં આઆવી હતી. જો કે, વર્ષ 2019માં તત્કાલીન મામલતદાર દ્વારા જીયાણા ગામે રેવન્યુ સર્વે નંબર 361 પૈકીની છ એકર જમીનમાં સ્થળ ફેરફાર કરવામાં આવ્યો હોવાથી પત્ર નંબર 8407થી શરતભંગની દરખાસ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો :“ચિંતા-જિંદગીથી કંટાળી પગલું ભરું છું”…રાજકોટના જીવરાજ પાર્ક પાસે નિવૃત પોલીસમેને ઝેરી દવા પી કર્યો આપઘાત
જો કે, વર્ષ 2019માં શરતભંગના પગલાં લેવા પ્રાંત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં વર્ષ 2020થી વર્ષ 2023 દરમિયાન ફરી ત્રણ-ત્રણ વખત આ જમીનના વેચાણ દસ્તાવેજ નોંધાઈ ગયા હતા. બીજી તરફ વર્ષ 2019માં સ્થળફેર બાદ શરતભંગ દરખાસ્ત મામલે રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા સાત-સાત વર્ષ સુધી કબ્જાફેર અંગે કોઈ જ તપાસ ન કરવામાં આવતા અંતે વર્ષ 2025ના સપ્ટેમ્બર માસમાં તાલુકા મામલતદારને પુનઃ અહેવાલ કરવા જણાવતા તા.19-11-2025ના રોજ તાલુકા મામલતદાર રાજકોટ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા 1974માં ફાળવવામાં આવેલ જમીનનો કબ્જો અને હાલમાં જમીનના કબ્જેદાર દ્વારા રજૂ કરવામાં આવેલ માપણીશીટ ચકાસણી કરી કબ્જામાં કોઈ ફેરફાર ન હોવાનો રિપોર્ટ કરતા મામલતદારના રિપોર્ટને આધારે શરતભંગના પગલાં લેવાનો અભિપ્રાય થતો ન હોવાથી જાદુઈ રીતે સાત વર્ષ બાદ શરતભંગ કેસ રજિસ્ટરથી કમી કરવામાં આવ્યો હતો.
