કોલકત્તાની ઘટના ગેંગરેપની નથી
23 દિવસની તપાસ બાદ સીબીઆઇ નું તારણ
તપાસ મહદ અંશે પૂર્ણ: સીબીઆઇ ચાર્જશીટ દાખલ કરશે
સમગ્ર દેશને ધ્રુજાવી દેનારી કોલકતાની આરજી કર હોસ્પિટલની ઘટનાને કોલકતા પોલીસે પકડેલા એકમાત્ર આરોપી સંજય રોયે જ અંજામ આપ્યો હોવાનું અને આ બનાવ ગેંગ રેપનો ન હોવાનું ndtv એ વિશ્વાસપાત્ર સૂત્રોના હવાલાથી જાહેર કર્યું હતું. આ અહેવાલમાં અનુસાર સીબીઆઇની તપાસ અંતિમ તબક્કામાં હોવાનું અને નજીકના ભવિષ્યમાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
એ અહેવાલમાં દર્શાવ્યા અનુસાર તપાસનીશ એજન્સીએ ડીએનએ રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટ દિલ્હી એઇમસને મોકલ્યા હતા.સીબીઆઇએ 100 કરતા વધારે લોકોના નિવેદનો નોંધ્યા હતા અને કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત અને આરોપી રોય સહિત આઠ લોકોના 10 પોલિગગ્રાફ ટેસ્ટ કર્યા હતા.અંતે 23 દિવસની તપાસ બાદ દુષ્કર્મ અને હત્યાના આ કેસમાં એકમાત્ર સંજય રોયની જ સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે કોલકતા પોલીસે ઘટનાના બીજા દિવસે જ આરોપીની ધરપકડ કરી હતી.તે પછી કોલકતા હાઇકોર્ટે કેસ સીબીઆઇ ને સોંપી દીધો હતો.સીબીઆઇ એ પણ દુષ્કર્મ અને હત્યા મામલે નવી કોઈ ધરપકડ નથી કરી.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલો પર આ ઘટના ગેંગરેપની હોવાના અહેવાલો ગાજતા થયા હતા અને પરિણામે લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો હતો.જો કે હવે જ્યારે તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે એ બધા અહેવાલો ખોટા અને બદઈરાદા પ્રેરિત હોવાનું સ્પષ્ટ થયું છે.
સીબીઆઇ સામે મમતા સરકારના ગંભીર આક્ષેપ
ટીએમસીએ સીબીઆઇ ની તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે માત્ર 12 કલાકમાં કોલકાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.અમે તપાસ પૂર્ણ કરવા માટે પાંચ દિવસનો સમય માગ્યો હતો પણ હાઇકોર્ટે તપાસ cbi ને સોંપી દીધી. તેમણે પૂછ્યું કે તે પછી સીબીઆઇએ કર્યું શું? તપાસનું પરિણામ cbi કેમ જાહેર નથી કરતી? તેમણે કહ્યું કે સીબીઆઈને ન્યાયમાં રસ નથી.સરકાર સામેનું આંદોલન ચાલુ રાખવા માટે સીબીઆઇ ઈરાદાપૂર્વક વિલંબ કરતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.અન્ય એક મંત્રી બ્રત્યા બસુ એ પણ કહ્યું કે 23 દિવસ થઈ છતાં સીબીઆઇએ પ્રોગ્રેસ રિપોર્ટ જાહેર નથી કર્યો. તેમણે કહ્યું કે તપાસ જ્યારે કોલકાતા પોલીસ પાસે હતી ત્યારે દરરોજ પ્રોગ્રેસ રિપોર્ટ જાહેર કરવામાં આવતો હતો.