ખુદ ઈરાન સિક્રેટ સર્વિસના વડા પણ મોસાદના એજન્ટ હોવાનો આક્ષેપ
દુશ્મન દેશોમાં મોસાદની પહોંચ તો જુઓ
ઈરાનના ભૂતપૂર્વ પ્રમુખે કરેલા દાવાથી ખળભળાટ
ઈરાનના ભૂતપૂર્વ પ્રમુખ મહમદ અહેમહેદીનજીદે ખુદ ઈરાનની સિક્રેટ સર્વિસ ના વડા પણ મોસાદના એજન્ટ હોવાનો દાવો કરતા ભૂકંપ સર્જાયો છે.
તેમણે કહ્યું કે 2021 માં જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઈરાનની ભુમી પર ઇઝરાયેલના ઇન્ટેલિજન્સ ઓપરેશનનો સામનો કરવાની જવાબદારી નિભાવનારા મોટાભાગના ઇન્ટેલિજન્સ ઓફિસર અને જાસુસો મોસાદ માટે કામ કરતા હતા.આ ડબલ એજન્ટો થકી જ ઇઝરાયેલને તમામ માહિતીઓ મળતી હતી અને એટલે જ ઇઝરાયેલના તમામ ઓપરેશન સફળ થયા હતા. ઈરાન ની સિક્રેટ સર્વિસના ટોચના ઓછામાં ઓછા 20 અધિકારીઓ મોસાદના એજન્ટ હોવાનો તેમણે ધડાકો કર્યો હતો.
આ અગાઉ ઈરાનના પૂર્વ ઇન્ટેલિજન્સ મિનિસ્ટર અલી યુનુસે પણ સરકારી તંત્રમાં મોસાદે કરેલી ઘૂસણખોરી અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાનના ઉચ્ચ સત્તાવર્તુળોમાં મોસાદની એ હદે ઘૂસણખોરી હતી કે અન્ય અધિકારીઓ તેમજ જીવની અસલામતી અનુભવતા હતા.
ભુતપૂર્વ પ્રમુખ મહમદ અહેમદીનેજીદે સીએનએન સાથે વાત કરતા જણાવ્યું કે આ ડબલ એજન્ટો મોસદને ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે માહિતી આપતા હતા અને એ ડબલ એજન્ટો જ ઈરાનના અનેક ન્યુક્લિયર સાયન્ટિસ્ટોની હત્યા માટે જવાબદાર હતા. નોંધનીય છે કે બૈરુતમાં હેઝબોલ્લાહના વડા હસન નસરાલ્લાહને ઇઝરાયેલે પાક્કી માહિતીના આધારે એર સ્ટ્રાઈક કરી મારી નાખ્યા તે પછી પણ નસરલ્લાહની ગતિવિધિઓ અંગે ઈરાનના જાસુસોએ જ ઇઝરાયેલને માહિતી આપી હોવાની શંકા વ્યક્ત થઇ હતી.