લા નીનાની જુનથી અસર શરુ થશે : આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે
અમેરિકાના હવામાન વિભાગે વરસાદને લઈને લઈને એલર્ટ જાહેર કર્યું
જુનથી ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને પૂર આવવાની શક્યતા
લા નીનાની અસર રૂપે આ વખતે ભારતમાં ચોમાસું અને ઠંડી બંને ભુક્કા બોલાવશે તેવું લાગી રહ્યું છે. લા નીનાની અસર જુન માસથી જ દેખાવાની શરુ થઇ જશે અને તેને લીધે આ વખતે ચોમાસામાં સરેરાશ કરતા વધુ વરસાદ પડશે.
આ અંગે અમેરિકાની નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી છે કે લા નીનાની અસર આગામી કેટલાક સમયમાં પ્રશાંત મહાસાગરમાં જોવા મળી શકે છે. લા નીના ની અસર જૂનથી શરુ થઈ જશે અને ઓગસ્ટની શરૂઆત સુધી જોવા મળશે. જેના કારણે ભારતમાં ભારે વરસાદ અને દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
NOAA અનુસાર, લી નીનાની અસર જૂનથી ઓગસ્ટ સુધીમાં 49 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 69 ટકા વધી શકે છે.
ભારતમાં મોટા ભાગનો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે અને લા નીનાને કારણે વધતો વરસાદ ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ કરવામાં પણ મદદ કરશે. વરસાદની યોગ્ય માત્રા ખાંડ, કઠોળ, ચોખા અને શાકભાજી જેવી મુખ્ય ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રિત કરી શકે છે, જે ફુગાવાની સમસ્યાને પણ કાબૂમાં રાખી શકે છે.
હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે લા નીના ના કારણે આ વખતે સરેરાશ કરતાં વધુ એટલે કે 106 ટકા વરસાદની શક્યતા છે. ગયા વર્ષે તે સામાન્ય કરતાં 94 ટકા ઓછો થયો હતો.