અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ ફરી 15મીથી શરૂ થશે
બીજો માળ અને શિખર બનશે, 3500 મજૂરો કામે લાગી જશે
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ફરી એકવાર કામ શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. શ્રીરામ જન્મભૂમિમાં હજુ બીજો માળ અને શિખરનું કામ બાકી છે. આ કામ 15 ફેબ્રુઆરીએ શરુ કરવામાં આવશે. તેના માટે મંદિરના પશ્ચિમ વિસ્તારમાં બે ટાવર લગાવવામાં આવશે. ત્યાર બાદ દરેક કર્મચારીઓ 15 ફેબ્રુઆરીએ ફરી મંદિરના સંપૂર્ણ કાર્યમાં જોતરાઈ જશે.
શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યું કે, મંદિરના પહેલા માળનું કામ લગભગ પુરુ થઈ ગયું છે. બીજો માળ અને શિખરના કામ માટે ફરી તૈયારી કરવામાં આવી છે. તેના માટે આશરે 3500 મજુરોને કામે લગાડવામાં આવશે.
મંદિર નિર્માણ કાર્યમાં જોડાયેલી એલએન્ડટી કંપનીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કારણે 15 જાન્યુઆરીથી રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને બંધ કરવામાં આવ્યું હતું. તે સાથે દરેક મજુરોને પણ એક મહિનાની રજા આપી દેવામાં આવી હતી. હવે દરેક કર્મચારીઓને પરત બોલાવવામાં આવ્યા છે. નિર્માણ કાર્યમાં જોડાયેલા નિષ્ણાતો અને મુખ્ય વેપારી રોહિત ભાટિયાએ કહ્યું કે, પરિસરમાં લાગેલા મશીનોને ફરી જોડવાનું કામ શરુ થઈ ગયું છે.